Vadodara

વડોદરામાં ચાલુ ગાડીએ ચાલકની તબિયત બગડી, અકસ્માત બાદ સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો

બ્રેક લાગે એ પહેલા શ્વાસ થંભી ગયા, વડોદરામાં બેકાબૂ કારે મચાવ્યો કહેર

BSNL ત્રણ રસ્તા, કોઠી કચેરી પાસે સર્જાયો અકસ્માત

(પ્રતિનિધિ), વડોદરા. તા.22

વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની વણઝાર યથાવત રહી છે, ત્યારે આજે શહેરના વ્યસ્ત એવા BSNL ત્રણ રસ્તા પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ચાલુ કારે ચાલકની તબિયત અચાનક લથડતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે કારે અન્ય વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કાર ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવે તે પૂર્વે જ તેનું કરૂણ મોત નિપજ્યું હતું. મકરપુરા વિસ્તારમાં આવેલા જાનકીપાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષીય હિતેશભાઈ સૂર્યકાંત ઠક્કર પોતાની કાર GJ 06 RD 1029 લઈને કોઠી પાસે આવેલા BSNL ત્રણ રસ્તા પાસેથી પસાર થતા હતા, તે દરમિયાન તેમની તબિયત લથડતી હતી અને અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર GJ 06 RA 7735 અને બે બાઇક ચાલકોને અડફેટે લીધા હતા. બાઇક સવાર કરશન ચંદુભાઈ રાઠવા અને પ્રતીક રાઠવાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ જોયું તો કાર ચાલક બેભાન અવસ્થામાં હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Most Popular

To Top