Vadodara

વડોદરામાં ગોત્રી ખાતે રૂ.10.28 કરોડના ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનનું કામ શરૂ

પ્રદૂષણમુક્ત મુસાફરીના લક્ષ્ય સાથે શહેર ગ્રીન ટ્રાન્સપોર્ટ ઝોન તરફ આગળ વધ્યું

સયાજીગંજમાં ઈ-બસ ચાર્જિંગના બીજા તબક્કાનું કામ શરૂ, 48 ચાર્જિંગ પોઈન્ટ વિકસાવાશે, 100 ઈ-બસો શહેરમાં દોડશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર પરિવહનને આધુનિક અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે ગોત્રી વિસ્તારમાં પી.એમ. ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનના નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ વડોદરાને ગ્રીન ટ્રાન્સપોર્ટ તરફ દોરી જશે અને નાગરિકોને પ્રદૂષણમુક્ત મુસાફરીની નવી સુવિધા મળશે. ગોત્રી વિસ્તારના ટી.પી. 60, એફ.પી. 205(કોલાબારા પાછળ) ખાતે કુલ 17,784 ચો.મી. વિસ્તારમાં ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાંથી 11,273 ચો.મી. વિસ્તારમાં સ્ટેશનની મુખ્ય સુવિધાઓ ઉભી થશે. પ્રથમ તબક્કાનો અંદાજિત ખર્ચ રૂ. 10.28 કરોડ રહેશે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂરો કરાશે. પ્રથમ તબક્કામાં ઈ-બસો માટે સુપરચાર્જ્ડ સ્ટેશન બનાવાશે, જેમાં કુલ 51 બસોની ક્ષમતા રહેશે જેમાં 27 બસ પાર્કિંગ અને 24 ચાર્જિંગ પોઈન્ટ સાથે હશે. આ ઉપરાંત વહીવટી કચેરી, વર્કશોપ, વોશિંગ એરિયા અને લેન્ડસ્કેપિંગની વ્યવસ્થા પણ એક જ સ્થળે કરવામાં આવશે.

બીજા તબક્કામાં મુસાફરો માટે આધુનિક બસ ટર્મિનલ વિકસાવાશે. તેમાં કુલ 48 ચાર્જિંગ પોઈન્ટ, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પાર્કિંગ, વેઈટિંગ એરિયા, ટિકિટ વિન્ડો અને રિક્રિએશન ઝોન જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ સાથે સયાજીગંજ સીટી બસ સ્ટેન્ડ ખાતે પણ ઈ-બસ ચાર્જિંગ માટે 11 ચાર્જિંગ સ્ટેશનનું કામ શરૂ છે, જેમાંથી 50 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ વડોદરામાં કુલ 100 ઈ-બસો સેવા આપશે. ઈ-બસો શરૂ થતા શહેરનો વાહનવ્યવહાર વધુ નિયમિત બનશે, પ્રદૂષણમાં ઘટાડો થશે અને નાગરિકોને સ્વચ્છ તથા આરામદાયક મુસાફરીની સુવિધા મળશે.

Most Popular

To Top