14 ટીમોનું મેગા સર્ચ ઓપરેશન કાળાબજારિયાઓમાં ફફડાટ
ન્યુ વીઆઈપી રોડ પરથી ગેરકાયદે સંગ્રહખોરી કરતો એજન્ટ ઝડપાયો, 29 સિલિન્ડર જપ્ત, પોલીસ ફરિયાદ દાખલ




(પ્રતિનિધિ), વડોદરા. તા.14
વડોદરા જિલ્લામાં ગેસ સિલિન્ડરના નામે ચાલતી કાળાબજારી અને ગેરકાયદે સંગ્રહખોરીને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે જિલ્લા વહીવટી તંત્રએ કમર કસી છે. કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગે આજે ‘સ્પેશિયલ સર્ચ ડ્રાઈવ’ અંતર્ગત ૧૪ જેટલી ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરી મેદાનમાં ઉતારી હતી. આ ટીમોએ શહેરના ખૂણે ખૂણે આવેલી પ્રાઇવેટ અને સરકારી ગેસ એજન્સીઓ તેમજ હોટલ-રેસ્ટોરન્ટ્સમાં સપાટો બોલાવ્યો હતો. તપાસ દરમિયાન બાતમીના આધારે ન્યુ વીઆઈપી વિસ્તારના રેવડિયા મહાદેવ મંદિર પાસે એક ગેસ એજન્ટ દ્વારા ગેરકાયદેસર રીતે સિલિન્ડરનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પુરવઠા વિભાગ, રેવન્યુ અને પોલીસની સંયુક્ત ટીમે અહીં દરોડો પાડી 5 કમર્શિયલ ગેસ સિલિન્ડર, 24 ઘરેલુ ગેસ સિલિન્ડર આમ કુલ 29 સિલિન્ડરનો અનધિકૃત જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપી એજન્ટ સામે તાત્કાલિક ધોરણે FIR દાખલ કરી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ધંધા કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એક તરફ જ્યારે કડક હાથે તપાસ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ તંત્રએ જીવનજરૂરી સેવાઓ ન ખોરવાય તેનું પણ ધ્યાન રાખ્યું છે. છેલ્લા 48 કલાકમાં જિલ્લાની શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓની ગેસની માંગને ટોચની અગ્રતા આપી 278 સિલિન્ડરનો પુરવઠો સફળતાપૂર્વક પૂરો પાડવામાં આવ્યો છે. જેમાં પારૂલ ઇન્સ્ટિટ્યૂટ, ગતિશક્તિ વિદ્યાલય, અંકુર વિદ્યાલય, સમરસ કન્યા અને કુમાર છાત્રાલય, SSG હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલો, વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમો. વધુમાં, અન્ય 96 સંસ્થાઓની વધારાની માંગ માટે પણ સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા ગેસ લિમિટેડ (VGL) ને ખાસ સૂચના અપાઈ છે કે આવી સંસ્થાઓને PNG કનેક્શન આપવામાં પ્રાથમિકતા આપે. જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે વડોદરામાં ગેસની કોઈ પણ પ્રકારની અછત નથી. 14 માર્ચ ના રોજ જિલ્લામાં ઇન્ડિયન ઓઈલ (IOC) 11,491, ભારત પેટ્રોલિયમ (BPCL) 6,349, હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) 5,877 કુલ સ્ટોક 23,717 ઉપલબ્ધ છે. નાગરિકોએ પેનિક બુકિંગ કરવાની કે અફવાઓથી ગભરાવાની જરૂર નથી. હેલ્પલાઇન પર આવેલી 100થી વધુ ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું છે. કોઈ પણ એજન્સીમાં ગેરરીતિ જણાશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે – ગીતાબેન દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી. આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય તે માટે હવેથી દરેક સરકારી અને પ્રાઇવેટ ગેસ એજન્સીઓના ગોડાઉન પર પોલીસ, પુરવઠા વિભાગ અને વહીવટી તંત્રની એક ટીમ રોજબરોજની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખશે. વડોદરા જિલ્લા તંત્રએ સાબિત કર્યું છે કે ગેરકાયદેસર કામ કરનારાઓ માટે ‘દંડ’ અને જરૂરિયાતમંદો માટે ‘સેવા’ એ તેમની પ્રાથમિકતા છે.