વડોદરા: વડોદરા શહેરમાં 2021માં તરખાટ મચાવનાર કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે અને છેલ્લા 24 કલાકમાં એકસાથે 6 કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગતરોજ સાંજે જાહેર કરાયેલા COVID-19 બુલેટિન અનુસાર છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના 6 નવા કેસ નોંધાયા છે. નવા કેસો શહેરના રામદેવનગર, ધાનજીપુલ, દિવાળીપુરા અને ભાથડી વિસ્તારોમાંથી સામે આવ્યા છે. નવા કેસો સાથે શહેરમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 6 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા કુલ 34 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 6 કેસ પોઝીટીવ આવ્યા છે. હાલ કોઈપણ દર્દીને વેન્ટિલેટર કે ICU સારવારની જરૂર નથી અને મૃત્યુનો પણ કોઈપણ કેસ નોંધાયો નથી. હાલ તમામ 6 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને કોઈપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. ઝોનલ વિગત મુજબ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 4 નવા કેસ નોંધાયા છે, જ્યારે પૂર્વ અને ઉત્તર ઝોનમાં 1-1 કેસ સામે આવ્યા છે. દક્ષિણ ઝોનમાંથી કોઈ પણ કેસ નોંધાયો નથી. સ્વાસ્થ્ય વિભાગે શહેરવાસીઓને માસ્ક પહેરવા, હાથ ધોવા અને જરૂર વગર ભીડવાળા વિસ્તારોમાં ન જવા અનુરોધ કર્યો છે