સેવાસી-સોનારકુઈ હાઈવે પર પાણીનો વેડફાટ, તંત્રની બેદરકારીને કારણે રોડ પર નદી વહી
(પ્રતિનિધિ), વડોદરા. તા.4
શહેરીજનો એક તરફ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું હોવાનો કિસ્સા સામે આવ્યો છે. સેવાસીથી સોનારકુઈ તરફ જતા હાઈવે પર આવેલા એક થાંભલા (પાઈપલાઈન સ્ટ્રક્ચર) પરથી પાણીનો ફુવારો ઉડી રહ્યો છે, જેના દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે નદી વહી રહી હોય. 9
વાહનચાલકોના જણાવ્યા અનુસાર, આ દ્રશ્ય છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે. થાંભલાની ઊંચાઈએથી પ્રેશર સાથે પાણી ઉડી રહ્યું છે, જે સીધું રસ્તા પર પડીને ગટરમાં કે ખાડાઓમાં વહી રહ્યું છે. આ પાણી એટલું શુદ્ધ અને ચોખ્ખું છે કે જે સીધું લોકોના ઘર સુધી પહોંચવું જોઈતું હતું, તે અત્યારે રસ્તા ધોવામાં વપરાઈ રહ્યું છે. રસ્તા પરથી પસાર થતા જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકોનું કહેવું છે કે, આટલા મોટા પાયે પાણીનો બગાડ થઈ રહ્યો હોવા છતાં સંબંધિત વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓની નજર આના પર કેમ નથી પડતી ? કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ? જ્યારે સામાન્ય માણસ પાણીનો બગાડ કરે તો દંડ ફટકારતું તંત્ર, પોતાની આટલી મોટી ભૂલ સામે કેમ મૌન છે ? ઉનાળાની શરૂઆત થતા જ ઘણી સોસાયટીઓમાં અને ગામડાઓમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે. તેવા સમયે, આ રીતે અવિરતપણે વહી જતું પાણી તંત્રની નિષ્કાળજીનો જીવતો જાગતો પુરાવો છે.
આ લાઈનનું રિપેરીંગ તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને વેડફાતું પાણી અટકાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. હવે જોવું રહ્યું કે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગે છે અને આ ‘માનવસર્જિત નદી’ ને બંધ કરે છે.