અલકાપુરીમાં એક સાથે 15 ઓફિસના તાળા તૂટ્યા
હરણી રોડ વિસ્તારમાં મોડી રાત્રિના સમયે ચોર ટોળકી ત્રાટકી, લોકોએ બૂમાબૂમ કરતા ચોર ભાગી ગયા
નવરાત્રીના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત રહેતા તસ્કર ટોળકીને જાણે મોકડું મેદાન મળી ગયું છે. હરણી રોડ વિસ્તારમાં ચોર આવ્યા હોવાની બૂમો પડતા લોકો જાગી ગયા હતા. જેથી આ ટોળકી ભાગી ગઈ હતી. વિસ્તારના યુવકોએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેલ શરીર પર લગાવેલું હોય હાથમાં આવીન હતી. અલકાપુરી વિસ્તારમાં પણ એક સાથે 15 ઓફિસોના તસ્કરોએ તાળા તોડયા હતા. જોકે કેટલી માલ મત્તાની ચોરી થઈ તેની વિગત હજુ જાણવા મળી નથી પરંતુ માત્ર 14 હજાર રૂપિયા લઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
હાલમાં ચાલી રહેલી નવરાત્રીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે વડોદરા શહેર પોલીસ ગરબાના બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા હોય છે. જેના કારણે તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ બિન્દાસ્ત રીતે વિવિધ વિસ્તારોમાં ચોરીને અંજામ આપી રહ્યા છે. ગઈકાલે 8 ઓક્ટોબરના રોજ રાત્રિના બે અઢી વાગ્યાના રસ્તામાં હરણી રોડ પર ચોર ટોળકી ત્રાટકી હતી. પરંતુ મોડે સુધી જાગતા લોકોએ બુમરાણ મચાવતા ચોર ટોળકી ભાગી ગઈ હતી. પરંતુ ત્રણ જેટલા શખ્સો મન્સૂરી કબ્રસ્તાનની ઝાડીઓમાં છુપાઈ ગયા હતા. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ તે વિસ્તારના યુવકોએ ટોળકીને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શરીર પર તેલ લગાવ્યું હોય તેઓ હાથમાં આવ્યા ન હતા. બીજી તરફ અલકાપુરી વિસ્તારમાં આવેલી સેન્ટર પોઇન્ટની બિલ્ડીંગમાં આવેલી 15 જેટલી ઓફિસોને મંગળવારે રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી હતી.એકસાથે તમામ ઓફિસોના તાળા તોડીને તસ્કરો અંદર ઘુસ્યા હતા. પરંતુ કેટલી માલ મત્તાની ચોરી થઈ તેની વિગત મળી શકતી નથી પરંતુ 14 હજાર ઉપરાંતની ચોરી થઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. બિલ્ડિંગમાં ત્રણ જેટલા સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા હોવા છતાં કેવી રીતે રીતે આ ટોળકીએ કોમ્પલેક્ષમાં પ્રવેશ કર્યો અને ઓફિસોના તાળા પણ તોડ્યા તે એક સવાલ બનીને રહી ગયો છે. જોકે ચોરી કરવા માટે આવેલા તસ્કરો બિલ્ડિંગમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેથી પોલીસે ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજ મેળવીને તેના આધારે તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મહિના અગાઉ અલકાપુરીના કોન્કર્ડ બિલ્ડીંગમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં તસ્કર ટોળકી હથિયારો સાથે ત્રાટકી હતી. સિક્યુરિટીએ તેમને પડકારતા માથામાં હુમલો કરીને ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી.