હવે સીધો નાગરિકોને ફોન કરીને લેવાશે સફાઈનો રિપોર્ટ
બેદરકાર અધિકારીઓને લપડાક અને સારું કામ કરનારને શાબાશી; શહેરમાં 40 નવા શૌચાલય અને રસ્તાના ખાડા પૂરવા આદેશ


વડોદરા શહેરને સ્વચ્છ અને સુવિધાસભર બનાવવાના હેતુથી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મંગળવારે પાલિકા ખાતે સાપ્તાહિક ‘સ્વચ્છતા અને સ્વચ્છતા સુરક્ષા’ રિવ્યૂ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના તમામ ઝોનના વોર્ડ ઓફિસરો, સેનેટરી ઇન્સ્પેક્ટરો અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સ્વચ્છતાથી લઈને ટ્રાફિક અને પ્રાથમિક સુવિધાઓ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરની સ્વચ્છતા જાળવવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સફાઈની કામગીરી કાગળ પર નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર ચકાસવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા દરેક વોર્ડમાં દરરોજ 50 નાગરિકોને ફોન કોલ કરીને પૂછવામાં આવશે કે તેમના વિસ્તારમાં સફાઈ થાય છે કે નહીં? તેમજ ડોર-ટુ-ડોર કચરાનું કલેક્શન સમયસર થાય છે કે કેમ?
ફીડબેકના આધારે જે વોર્ડમાં સફાઈની કામગીરી ઉત્કૃષ્ટ જણાશે ત્યાંના સેનેટરી ઇન્સ્પેક્ટરને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવશે. જ્યારે જે વિસ્તારોમાં ફરિયાદોનું પ્રમાણ વધુ હશે અને સફાઈમાં બેદરકારી જણાશે, ત્યાંના અધિકારીઓને તાત્કાલિક કામગીરી સુધારવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરે તમામ અધિકારીઓને જવાબદારીપૂર્વક કામ કરી ‘સ્વચ્છતા અભિયાન’ને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂક્યો હતો.
શહેરના વિકાસ અને સુવિધા માટે લેવાયેલા મહત્વના નિર્ણયો:
*નવા શૌચાલયોનું નિર્માણ: સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરના ચારેય ઝોનમાં 10-10 મળી કુલ 40 નવા જાહેર શૌચાલયો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
*રસ્તાનું સમારકામ: ચોમાસા બાદ કે અન્ય કારણોસર રોડ પર પડેલા ખાડાઓને તાત્કાલિક પૂરીને વહેલી તકે કાર્પેટિંગ કરવા માટે તમામ ઝોનલ અધિકારીઓને આદેશ અપાયા છે.
*ટ્રાફિક અને સુરક્ષા: ટ્રાફિક પોલીસના સૂચનો મુજબ શહેરના મુખ્ય જંકશન પર ઝીબ્રા ક્રોસિંગ પેઇન્ટ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી ટ્રાફિક નિયમન સરળ બને.
*દબાણ હટાવો ઝુંબેશ: શહેરના માર્ગોને મોકળા કરવા માટે દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી વધુ તેજ બનાવવામાં આવશે.
*સ્ટ્રીટ ડોગ અને આંગણવાડી: રખડતા શ્વાનોને નિયંત્રિત કરવા માટે નવી વ્યવસ્થા ઊભી કરાશે. આ ઉપરાંત, કાર્યરત આંગણવાડીઓનું રિનોવેશન અને જરૂરિયાત મુજબ નવી આંગણવાડીઓ બનાવવાનું આયોજન પણ બેઠકમાં કરવામાં આવ્યું હતું.