Vadodara

વડોદરાનું ખિસકોલી સર્કલ ટ્રાફિકના ‘ચક્રવ્યૂહ’માં ફસાયું: વરસાદી કાંસની કામગીરી જનતા માટે માથાનો દુખાવો

સ્માર્ટ સિટીના ‘સ્લો’ વહીવટનો નમૂનો

કોર્પોરેશનની ગોકળગાય ગતિની કામગીરીથી હજારો વાહનચાલકો ત્રાહિમામ; એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો પણ જામમાં અટવાયા

વડોદરા સંસ્કારી નગરી વડોદરાના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારને જોડતા સૌથી વ્યસ્ત એવા ખિસકોલી સર્કલ પાસે છેલ્લા ત્રણ મહિનાથી જનતા ‘નરક’ જેવી સ્થિતિનો સામનો કરી રહી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 12માં અટલાદરાથી વિશ્વામિત્રી નદી તરફ હાથ ધરવામાં આવેલી વરસાદી કાંસની કામગીરી તંત્રની ઘોર બેદરકારી અને ધીમી ગતિનું પ્રતીક બની ગઈ છે.
મુખ્ય માર્ગ પર કાંસ ક્રોસ કરવાની કામગીરીને કારણે રસ્તાની પહોળાઈ અડધાથી પણ ઓછી થઈ ગઈ છે. 24 કલાક ધમધમતા આ માર્ગ પર દિવસ-રાત વાહનોની લાંબી કતારો જોવા મળે છે. સવારના સમયે નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ તેમજ સાંજના સમયે ધંધાદારીઓ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. રસ્તો સાંકડો હોવાથી સામાન્ય વાહનચાલકોએ પણ રઝળપાટ કરવો પડી રહ્યો છે, જેના કારણે સમય અને મોંઘા ઈંધણનો મોટાપાયે બગાડ થઈ રહ્યો છે.
આ ટ્રાફિક જામની સૌથી ભયાનક અસર એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા તાત્કાલિક સેવા આપતા વાહનો પર પડી રહી છે. સાંકડા માર્ગ પર જામમાં ફસાયેલી એમ્બ્યુલન્સને રસ્તો મળવો મુશ્કેલ બની રહ્યો છે, જે કોઈ દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ટ્રાફિક પોલીસ પણ સતત ધસારાને કારણે લાચાર દેખાઈ રહી છે. સ્થાનિક રહીશો પણ સતત થતા હોર્નના અવાજ અને વાયુ પ્રદૂષણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સામાજિક કાર્યકરોએ કોર્પોરેશનની આ ‘ગોકળગાય’ ગતિએ ચાલતી કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે આટલા મહત્વના જંક્શન પર કામ ચાલતું હોય ત્યારે તેને ‘યુદ્ધના ધોરણે’ પૂર્ણ કરવાને બદલે તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. સ્થાનિકોની હવે એક જ માંગ છે કે આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી માર્ગને પૂર્વવત કરવામાં આવે જેથી જનતાને આ ટ્રાફિકની મુસીબતમાંથી છુટકારો મળે.

જનતાના સવાલ, તંત્ર મૌન…
*​સમય મર્યાદા ક્યાં?: ત્રણ મહિના વીત્યા છતાં હજુ કામ અધૂરું કેમ?
*​પ્રાયોરિટીનો અભાવ: મુખ્ય માર્ગ પરની કામગીરી રાત્રિ દરમિયાન વધારાના શ્રમિકો લગાવીને પૂર્ણ કેમ કરવામાં આવતી નથી?
*​વૈકલ્પિક વ્યવસ્થા શૂન્ય: ટ્રાફિક ડાયવર્ઝન કે રસ્તાના સમતલીકરણ માટે તંત્ર પાસે કોઈ આગોતરું આયોજન નથી?
*​આર્થિક નુકસાન: હજારો લિટર ઈંધણનો બગાડ અને કિંમતી માનવ કલાકોના વેડફાટની જવાબદારી કોની?

Most Popular

To Top