Vadodara

વડોદરાની ફેમિલી કોર્ટમાં સ્ટાફની અછતથી વકીલો મુશ્કેલીમા

વડોદરાની ફેમિલી કોર્ટમાં સ્ટાફની અછતને કારણે વકીલોને સર્ટિફાઇડ કોપી મેળવવામાં મુશ્કેલીઓ અંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ને રજૂઆત

વડોદરા વકીલ મંડળના પ્રમુખ,ટ્રેઝરર એડવોકેટ અને કમિટી મેમ્બર દ્વારા પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ફેમિલી પ્રિન્સીપાલ જજને પણ રજૂઆત કરવામાં આવી

(પ્રતિનિધિ) વડોદરા તા. 21

વડોદરાની છ ફેમિલી કોર્ટમાં કોર્ટ સ્ટાફની અછતના કારણે વકીલોને સર્ટિફાઇડ કોપી મેળવવામાં પડતી હાલાકી મુદ્દે એડવોકેટ અને કમિટી મેમ્બર્સ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તથા પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ વડોદરા તેમજ ફેમિલી પ્રિન્સીપાલ જજ,વડોદરાને પત્ર લખી સ્ટાફ વધારવાની રજૂઆત કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

અત્યારના સમયમાં કોર્ટમાં કેસોનું ભારણ વધી રહ્યું છે બીજી તરફ ફેમિલી કોર્ટમાં, સિવિલ તથા ક્રિમીનલ કોર્ટમાં પણ કેસોનું ભારણ વધારે છે. કેસોનો ઝડપી નિકાલ આવે તે પણ જરૂરી છે પરંતુ બીજી તરફ કોર્ટમાં સ્ટાફની અછત પણ છેલ્લા કેટલાક સમયથી સૌથી મોટી સમસ્યા છે. ફેમિલી કોર્ટમાં પણ છેલ્લા બે વર્ષ ઉપરાંતથી કોર્ટ સ્ટાફની અછત છે જેના કારણે વકીલોને સર્ટિફાઇડ કોપી મેળવવામાં વિલંબ થાય છે આ સર્ટિફાઇડ કોપી મોડેથી મળવાથી વકીલોને આગળ અપીલ કરવામાં,રિવિઝન કરવામાં અને અન્ય મુશ્કેલીઓ પડી રહી છે સાથે જ અસીલોને પણ તકલીફ વેઠવી પડી રહી છે. વડોદરા બાર કાઉન્સિલ દ્વારા અગાઉ પણ ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં અગાઉ ત્રણ ફેમિલી કોર્ટ હતી જેમાં કોર્ટમાં કેસોનું ભારણ ઘટે તે માટે હાલમાં છ ફેમિલી કોર્ટ આવેલી છે. વડોદરાના વકીલો તથા અન્ય જિલ્લામાંથી આવતા વકીલોને સર્ટિફાઇડ કોપી મેળવવામાં વિલંબ થાય છે જેના કારણે પક્ષકારો પણ પરેશાન થઇ રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે શનિવારે એડવોકેટ અને કમિટી મેમ્બર્સ તથા પૂર્વ કમિટી મેમ્બર્સ દ્વારા ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસ તથા વડોદરા ન્યાય મંદિર કોર્ટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ તેમજ ફેમિલી પ્રિન્સીપાલ જજ, વડોદરા ન્યાય મંદિરને પત્ર લખીને સ્ટાફ વધારવાની માંગ કરી છે.

ફેમિલી કોર્ટમાં જ નહીં પરંતુ સિવિલ અને ક્રિમીનલ કોર્ટમાં પણ સર્ટિફાઇડ કોપી માટે વકીલોને તકલીફો પડી રહી છે

વડોદરાની છ ફેમિલી કોર્ટમાં જ નહીં પરંતુ રાજ્યમાં જ્યાં જ્યાં ફેમિલી કોર્ટ આવેલી છે તથા તે સિવાય પણ સિવિલ કોર્ટ, ક્રિમીનલ કોર્ટમાં પણ વકીલોને સર્ટિફાઇડ કોપી મેળવવામાં તકલીફ પડી રહી છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે ત્યારે જવાબ મળે છે કે જે સ્ટાફને રિક્રુટ કરવામાં આવે છે તે લોકો નોકરી છોડીને બીજે જતાં રહે છે આજે ખાનગી નોકરીમાં સારો પગાર મળતાં ક્લાર્ક અને અન્ય સ્ટાફ જોબ છોડી દે છે આવા અન્ય કેટલાક કારણોસર પણ કેટલાક જોબ છોડી જાય છે જેના કારણે સ્ટાફની અછત છે આ બાબતે મેં રજૂઆત કરી છે અને આશા છે કે આ અંગેનું વહેલી તકે નિરાકરણ આવશે.

એડવોકેટ નલિન પટેલ – પ્રમુખ, વડોદરા વકીલ મંડળ

અગાઉ ત્રણ ફેમિલી કોર્ટ વડોદરામાં હતી અત્યારે છ ફેમિલી કોર્ટ છે પરંતુ સ્ટાફની અછત છે

*વડોદરામાં અગાઉ ત્રણ ફેમિલી કોર્ટ હતી જેમાં કેસોનું ભારણ ઘટે તે માટે હવે છ ફેમિલી કોર્ટ છે પરંતુ સ્ટાફની અછતને કારણે છેલ્લા બે વર્ષથી વકીલોને સર્ટિફાઇડ કોપી મેળવવામાં વિલંબ થાય છે.એક અઠવાડિયા પહેલાં જ પ્રમુખ નલીન પટેલે ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે રજૂઆત કરી હતી.છ – છ મહિના સુધી વકીલોને સર્ટિફાઇડ કોપી મળતી નથી જેનાથી વકીલોને આગળની કાર્યવાહી અંગે મુશ્કેલી પડી રહી છે દા.ત. હિન્દુ મેરેજ એક્ટ ની કલમ 13 (બી) હોય તો તેમાં તાત્કાલિક ધોરણે હુકમનામું મળવું જોઈએ જે ન મળે તો તેનો કોઇ મતલબ નથી.ઘણીવાર જજીસની સહીઓ થઇ હોતી નથી. ફેમિલી કોર્ટમાં બોર્ડ ક્લાર્ક, પટાવાળા અને અન્ય સ્ટાફની અછત છે જો સ્ટાફ પૂરતો હોય તો કામગીરી ઝડપી બને.જો સ્ટાફ જ પૂરતો નહીં હોય તો કેવી રીતે કામગીરી થશે?

એડવોકેટ નિમિષા ધોત્રે -ટ્રેઝરર, વડોદરા વકીલ મંડળ

સર્ટિફાઇડ કોપી વકીલોને સમયસર ન મળવાથી અપીલ,રિવિઝન નહીં થાય

ગત માર્ચ મહિનામાં વડોદરા વકીલ મંડળ દ્વારા ફેમિલી કોર્ટમાં સ્ટાફની અછત મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી આજે એડવોકેટ અને કમિટી મેમ્બર તથા પૂર્વ કમિટી મેમ્બર્સ જેમાં એડવોકેટ દિશાંત જોશી, એડવોકેટ જીગ્નેશ બારોટ, એડવોકેટ દિપલ બ્રહ્મભટ્ટ, તથા પૂર્વ કમિટી મેમ્બર્સ એડવોકેટ ધવલ પટેલ, એડવોકેટ કોમલ બ્રહ્મભટ્ટ દ્વારા પત્ર લખી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, વડોદરા ન્યાય મંદિરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ તથા ફેમિલી પ્રિન્સીપાલ જજ વડોદરા ને પત્ર લખી રજૂઆત કરી છે.જો વકીલોને સર્ટિફાઇડ કોપી સમયસર નહિ મળે તો અપીલ નહીં થાય,રિવિઝન નહીં થાય અને હિન્દુ મેરેજ એક્ટ 13(બી). માં હૂકમનામુ વિલંબ થાય તો ડિવોર્સ થયા બાદ બીજા લગ્ન કેવી રીતે કરવા? માટે વહેલી તકે ફેમિલી કોર્ટમાં સ્ટાફની અછત પૂરતી કરવામાં આવે તેવી રજૂઆત સાત કમિટી મેમ્બર્સ દ્વારા કરવામાં આવી છે.

એડવોકેટ વિરાજ ઠક્કર – પૂર્વ કમિટી મેમ્બર, વડોદરા વકીલ મંડળ

Most Popular

To Top