જૂની ગેલેરી તોડી નવા નિર્માણને 7 વર્ષ પૂરાં, હવે ઈઆરપી સિસ્ટમથી બૂકિંગ શરૂ કરવાની યોજના
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બદામડી બાગ ખાતે રૂ. 6 કરોડના ખર્ચે એક નવી આર્ટ ગેલેરી અને ફાયર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવી આર્ટ ગેલેરીનો ઉદ્દઘાટન હજી સુધી કરવામાં આવ્યું નથી, જેને લઈને શહેરના કલાકારોમાં નારાજગી જોવા મળી રહી છે.
વર્ષ 2018માં જુની સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી તોડી પાડીને નવી ગેલેરી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ગેલેરીનું બૂકિંગ અને ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરાયો હતો. છેલ્લા સાત વર્ષથી કલાકારો આર્ટ ગેલેરી વિના પરેશાન છે. આ સમયે અનેક કલાકારોએ આંદોલન કર્યું અને ગેલેરી વહેલી તકે શરૂ થાય તેવી માગણી કરી. હાલમાં વડોદરા સ્ટેન્ડિંગ સમિતિમાં આ ગેલેરીને બિન-ધંધાકીય તથા ધંધાકીય ઉપયોગ માટે ભાડું અને લાગત નક્કી કરવામાં આવી છે. નવી ઈઆરપી સિસ્ટમ મારફતે ગેલેરીનું બૂકિંગ શરૂ કરવાનું આયોજન છે, પરંતુ હજી સંપૂર્ણ સભાની મંજૂરી લેવાઈ નથી. આ નવી ગેલેરીની સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર ફાયર બ્રિગેડ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે. અગાઉ દાંડિયા બજાર ખાતેના મુખ્ય ફાયર સ્ટેશનને તોડી નવા સ્થાને ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને લઈને પણ ઘણા વિરોધ થયા હતા.
વિરોધ પક્ષ કોંગ્રેસે તત્કાલીન સમયમાં વિરોધ નોંધાવ્યો હતો, ખાસ કરીને મહિલા નેતાએ માગણી કરી હતી કે શહેરમાં લોકોને શુદ્ધ હવા મળે તે માટે ગાર્ડન અકબંધ રાખવું જોઈએ. ગાર્ડનની સુવિધા લોકોને ન છીનવી લેવાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. છતાં, ફાયર સ્ટેશન અને આર્ટ ગેલેરી બંનેનો એકસાથે વિકાસ કરવામાં આવ્યો છે.
જ્યારે નવી આર્ટ ગેલેરીનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે કલાકારો અને કળાપ્રેમીઓ હવે વહેલી તકે તેનો ઉપયોગ શરૂ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. જો બધું યોગ્ય રીતે આગળ વધે, તો ટૂંક સમયમાં આ ગેલેરીનું બૂકિંગ શરૂ થઈ શકે છે અને લોકોને તેનો લાભ મળી શકશે.