Vadodara

વડોદરાના 447આરોગ્ય કર્મીઓમાંથી હવે માત્ર 278 કર્મીઓ હડતાલ પર યથાવત

ગત તા.03 એપ્રિલના રોજ વડોદરા આરોગ્ય ના 13કર્મીઓ ફરજ પર પરત ફર્યા

(પ્રતિનિધિ) વડોદરા તા. 04

ગુજરાત રાજ્યના પંચાયત સેવા હસ્તક વિભાગના કર્મચારીઓ ગત તા.17 માર્ચથી પોતાના પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતરી ગયા હતા જેમાં સરકારે. તેઓને મચક આપી નથી અને હવે મહાસંઘ દ્વારા ચાર દિવસ હડતાળને બ્રેક આપવાનો નિર્ણય કર્યો છે અને સોમવારથી ફરી નવી રણનીતિ અંતર્ગત હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે વડોદરાના 278 આરોગ્ય કર્મીઓ હડતાલ પર રહ્યા છે.

ગુજરાત રાજ્યના પંચાયત સેવા હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગત તા.17મી માર્ચથી પોતાની પડતર માંગણીઓ સંદર્ભે હડતાળ પર ઉતરી ગયા હતા આ હડતાળમાં વડોદરા આરોગ્ય વિભાગના 447 કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા હતા.આરોગ્ય કર્મચારીઓ કેટલીક મુખ્ય પડતર માંગણીઓ જેવી કે, ટેકનિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગું કરવામાં આવે, ખાતાકીય પરીક્ષા રદ્દ કરવામાં આવે, ટેકનિકલ ગ્રેડ પે નો અમલ કરાય તથા ટેકનીકલ કેડરમાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત સરકાર સમક્ષ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે પરંતુ સરકાર તટસ્થ રહેતા રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ગત તા.17 માર્ચ,2025 થી હડતાળ પર ઉતરી ગયા હતા જેના કારણે આરોગ્ય સેવાઓ પર માઠી અસર પડી હતી. રાજ્યભરમાંથી આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં ધામા નાખી વિવિધ કાર્યક્રમો આપ્યા હતા. આ અચોક્કસ મુદતના હડતાળ મુદ્દે રાજ્યના આરોગ્ય મંત્રી ત્રૃષિકેશ પટેલે લાલ આંખ કરી હતી અને આઠ જિલ્લાના બે હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ ને છૂટા કરવાનો નિર્ણય કર્યો હતો જ્યારે પાંચ હજારથી વધુ કર્મચારીઓને શો કોઝ નોટિસ ફટકારી હતી અને એક હજાર કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ નો આદેશ આપતા ઘણા કર્મચારીઓ પોતાની ફરજ પર પરત ફર્યા છે જેના કારણે હવે ગાંધીનગરમાં ધીમે ધીમે આંદોલન નબળું પડી રહ્યું છે તેવામાં મહાસંઘ દ્વારા ચાર દિવસ કર્મચારીઓ ને ગાંધીનગર છોડી ઘરે જવા માટે જણાવતા એક તબક્કે કર્મચારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા પરંતુ મહાસંઘ દ્વારા સોમવારથી નવી રણનીતિ સાથે હડતાળ યથાવત રાખવાની બાંહેધરી આપવામાં આવી છે સાથે જ કર્મચારીઓ ને ફરજ પર હાજર ન થવા પણ જણાવ્યું છે.આરોગ્યમંત્રી દ્વારા હડતાળ તોડવા ‘એસ્મા’ નું હથિયાર ઉગામી કર્મચારીઓ પર ટર્મિનેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હડતાળના નવમા દિવસે જ યુનિયનના મહામંત્રી આશિષ બારોટને નોકરીમાંથી પાણીચું આપી દેવાયું હતું.

વડોદરા જિલ્લાના 447ફિક્સ વેતન કર્મચારીઓમાથી 278 કર્મીઓ હડતાલ પર

પંચાયત સેવા હસ્તકના વડોદરા જિલ્લાના 447 ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓ હડતાળ પર હતા જેમાં હજી પણ 278 કર્મચારીઓ હડતાળ પર છે જ્યારે ગત તા. 03 એપ્રિલના રોજ 13 કર્મચારીઓ ફરજ પર પરત ફર્યાં છે જ્યારે ગત તા 27માર્ચના રોજ 117કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.અમે તો કર્મચારીઓ ને કહીએ છીએ ફરજ પર હાજર થાઓ છતાં હજી 278 કર્મચારીઓ હડતાળ પર છે હવે આગળ એ લોકો ક્યારે હાજર થાય છે કે કેમ તે અંગેની માહિતી નથી મળી.

ડો.મિનાક્ષી ચૌહાણ,ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, વડોદરા જિલ્લા

Most Popular

To Top