વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રના ત્રણ મેડિકલ ઓફિસરને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ માટે મોકલાયા*
વડોદરા: અમદાવાદમાં ઘટેલી એર ઇન્ડિયાના વિમાન તૂટી પડવાની દુર્ઘટનામાં વડોદરા શહેર અને જિલ્લાના હતભાગી ૨૭ પ્રવાસીઓની ઓળખ કરવા માટે તેમના પરિવારજનોના ડીએનએ સેમ્પલ મેળવવાની પ્રક્રીયા પૂર્ણ થઇ છે.
કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, વડોદરા શહેર અને જિલ્લામાં વસતા ૨૭ પ્રવાસીઓ દુર્ઘટનાગ્રસ્ત એરોપ્લેનમાં મુસાફરી કરતા હતા. આ પ્રવાસીઓની ઓળખ મેળવવા સારૂ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું કે, ૨૭ પ્રવાસીઓના ૨૦ પરિવારો દીઠ એક પુરુષ અને એક મહિલા અધિકારીને તેમનો સંપર્ક કરવા માટેની ફરજ સોંપવામાં આવી હતી. આ અધિકારીઓ દ્વારા હતભાગી પરિવારોનો સંપર્ક તેમની વિગતો જાણવામાં આવી હતી.
આ તમામ પ્રવાસીઓના પરિવારજનોના અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડીએનએ સેમ્પલ સેવાની પ્રક્રીયા પૂર્ણ થઇ ગઇ છે. એના આધારે મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવશે.
ડો. ધામેલિયાએ એમ પણ જણાવ્યું કે, જિલ્લા આરોગ્ય તંત્રના ત્રણ મેડિકલ ઓફિસરને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મદદ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત એક ચિટનિસને પણ રાજ્ય સરકાર દ્વારા ફરજ સોંપવામાં આવી છે.
૦૦૦૦