વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્યા, પાદરામાં ચંદ્રેશ પટેલનો વિજય, કરજણમાં ભાજપના ઉમેદવાર જીત્યા
વડોદરા જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ (કો-ઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ્સ યુનિયન)ની રસાકસીભરી ચૂંટણીનું મતદાન થયા બાદ શનિવાર ના રોજ મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં કેટલાક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. જિલ્લાના સહકારી ક્ષેત્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેર જોવા મળ્યા છે, જ્યાં ભાજપને એક મહત્ત્વની બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે પૂર્વ મંત્રી અને સહકારી નેતા દિનેશ પટેલ (દિનેશ મામા)નો દબદબો યથાવત રહ્યો છે.
ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વાઘોડિયા બેઠક પર નોંધાયો છે. અહીં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારને આશ્ચર્યજનક રીતે હારનો સામનો કરવો પડ્યો છે. વાઘોડિયાની આ એકમાત્ર બેઠક હતી જ્યાં ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવારે સીધી ટક્કર આપી હતી.
કોંગ્રેસના ઉમેદવારની જીતને કારણે જિલ્લાના સહકારી રાજકારણમાં ભાજપ માટે આ એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. વાઘોડિયાના સ્થાનિક સહકારી આગેવાનોના મતે, આ પરિણામ દર્શાવે છે કે સહકારી ક્ષેત્રે પણ ખેડૂતો અને મતદારોમાં સત્તાધારી પક્ષ પ્રત્યે અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
બીજી તરફ, પાદરા બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લાના સહકારી દિગ્ગજ નેતા દિનેશ પટેલ (દિનેશ મામા)નો દબદબો ફરી એકવાર સાબિત થયો છે. પાદરા બેઠક પર દિનેશ પટેલ સમર્થિત અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. પાદરા બેઠક પર ચંદ્રેશ પટેલની જીતને દિનેશ પટેલના વ્યૂહાત્મક આયોજન અને સહકારી સંગઠન પરના મજબૂત નિયંત્રણના પરિણામ તરીકે જોવામાં આવી રહી છે. કરજણમાં ભાજપના ઉમેદવાર જીતતા ધારાસભ્ય અક્ષય પટેલનો હાથ ઉપર રહ્યો છે.
સહકારી સંઘના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચના અને સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેના પર સૌની નજર ટકેલી છે.
સહકારી ક્ષેત્રે ભાજપની રણનીતિ પર સવાલ…
સમગ્ર જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીના પરિણામોએ વડોદરામાં સહકારી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વાઘોડિયા જેવી મહત્ત્વની બેઠક ગુમાવવાથી ભાજપના જિલ્લા સ્તરના નેતૃત્વ અને સહકારી ચૂંટણી માટેની તેમની રણનીતિ પર સવાલો ઉભા થયા છે.