Vadodara

વડોદરાના વિકાસને લાગશે ‘ડબલ એન્જિન’ની ગતિ: રાજ્ય નાણા પંચ સાથે પદાધિકારીઓની હાઈલેવલ બેઠક​

છેલ્લા બે દાયકામાં વિકાસલક્ષી ખર્ચ 639 કરોડથી વધીને 1700 કરોડે પહોંચ્યો; 2047ના ‘વિકસિત વડોદરા’ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર

વડોદરા: રાજ્યના ચોથા નાણા પંચના અધ્યક્ષ યમલભાઈ વ્યાસની અધ્યક્ષતામાં આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં વડોદરા શહેરના વર્તમાન વિકાસ કાર્યો, આર્થિક સ્થિતિ અને વર્ષ 2047 સુધીના લાંબા ગાળાના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન વડોદરાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ,શીતલ મિસ્ત્રી ,મેયર તથા અન્ય પદાધિકારીઓએ પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું હતું કે, વર્ષ 2007-08માં શહેરનું કેપિટલ એક્સપેન્ડિચર (વિકાસલક્ષી ખર્ચ) આશરે 637 કરોડ રૂપિયા હતું, જે છેલ્લા બે વર્ષમાં વધીને 1326 કરોડ સુધી પહોંચ્યું છે. ગત વર્ષે આ આંકડો 1550 કરોડે પહોંચ્યો હતો, જ્યારે ચાલુ વર્ષે 1700 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આમ, વડોદરાના વિકાસની ગતિ બમણાથી પણ વધુ ઝડપે આગળ વધી રહી છે.
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવતર પ્રયોગો
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે થઈ રહેલા પ્રયાસોની નાણા પંચે નોંધ લીધી હતી. કોર્પોરેશન હવે પ્રાથમિક શિક્ષણની સાથે માધ્યમિક શિક્ષણ અને અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરી રહ્યું છે. ઉપરાંત, શહેરમાં નવા 4 સામૂહિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવાનું પણ આયોજન છે.
નાણા પંચના અધ્યક્ષ યમલભાઈ વ્યાસે કોર્પોરેશનને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ પર ભાર મૂકવો જોઈએ. વડોદરાને ‘ક્લાયમેટ રેઝિલિયન્ટ’ અને ‘ડિઝાસ્ટર પ્રૂફ’ બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી.
​આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, અને નાણા પંચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પદાધિકારીઓએ આશા વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા મળનારી ગ્રાન્ટ અને માર્ગદર્શનથી વડોદરાના નાગરિકોની સુખ-સુવિધામાં ઉત્તરોત્તર વધારો થશે.
:- આર્થિક પડકારો અને આવકના સ્ત્રોત પર ભાર…
બેઠકમાં કોર્પોરેશનની આવક અને ખર્ચના સંતુલન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને:
*​વધતું ભારણ: આઠમા પગાર પંચના અમલીકરણ અને મહેકમ ખર્ચમાં થઈ રહેલા વધારા સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
*​સેવાકીય ખર્ચ: શિક્ષણ, આરોગ્ય અને અગ્નિશમન જેવી સેવાઓ પાછળ થતા ખર્ચ અને તેની સામે થતી ઓછી રિકવરી અંગે નાણા પંચને માહિતગાર કરાયા હતા.
*​રજૂઆતો: કોર્પોરેશન દ્વારા પાનમ યોજનાનું બિલ માફ કરવા અને જીએસટી તથા ઓક્ટ્રોય ગ્રાન્ટમાં વધારો કરવા જેવી મહત્વની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.

Most Popular

To Top