પેલેસથી શરૂ થયેલા અભિયાનમાં સાંસદ, કમિશનર અને ગોલ્ડ મેડલિસ્ટ ખેલાડીઓએ પેડલ મારી શહેરને આપ્યો ફિટનેસનો ડોઝ



વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા મિશન’થી પ્રેરાઈને વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ‘સન્ડે ઓન સાયકલ’ કાર્યક્રમની 55મી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 500થી વધુ સાયકલ સવારો અને શહેરના અગ્રણી મહાનુભાવો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.



આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી, મ્યુનસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, પૂર્વ ભારતીય ક્રિકેટર રાજેશ ચૌહાણ, એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ નંદિની અગાસરા, ભાજપ શહેર પ્રમુખ પ્રકાશ સોની સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓએ પોતે સાયકલ ચલાવીને નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો સંદેશ આપ્યો હતો.
લક્ષ્મી વિલાસ પેલેસથી શરૂ થયેલી આ સાયકલ રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. સાયકલિંગની સાથે સાથે અહીં યોગા, ઝુમ્બા, બેડમિન્ટન, દોરડા કૂદ અને ગરબા જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે રમતપ્રેમીઓ અને યુવાનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. રેલીમાં શાળાના બાળકો, વિવિધ સાયકલિંગ ક્લબના સભ્યો અને રમતવીરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે સાંસદ ડો. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમમાં આપેલા આહ્વાન બાદ દેશભરમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ આવી છે. ભારત સરકાર દ્વારા જ્યારે 55માં ‘સન્ડે ઓન સાયકલ’ અભિયાન માટે વડોદરાની પસંદગી કરવામાં આવી છે, ત્યારે તે શહેર માટે ગૌરવની વાત છે.”
મ્યુનસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ઉમેર્યું કે, દિલ્હીથી શરૂ થયેલું આ અભિયાન હવે ટિયર-2 શહેરો સુધી પહોંચ્યું છે. વડોદરાના નાગરિકોમાં ફિટનેસ અને હેલ્થ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે.
કાર્યક્રમ દરમિયાન માત્ર યુવાનો જ નહીં, પરંતુ 63 વર્ષીય ભરતભાઈ બારોટ જેવા સિનિયર સિટીઝન્સે પણ ભાગ લઈને સાબિત કર્યું કે ફિટનેસ માટે ઉંમરનો કોઈ બાધ નથી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રમતવીરો અને સાયકલ સવારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આયોજન દ્વારા વડોદરાવાસીઓને ‘સ્વસ્થ રહેવા માટે રમતગમત અને સાયકલિંગ’ને જીવનશૈલીનો ભાગ બનાવવાનો પ્રબળ સંદેશ આપવામાં આવ્યો હતો.