પાણીના પ્રોજેક્ટ્સ માટે ‘બ્લુ બોન્ડ’ આવશે, હેરિટેજ સર્કિટ અને 12 હજાર નવા આવાસોની મોટી જાહેરાત
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2026-27નું ₹7609.63 કરોડનું ઐતિહાસિક ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ રજૂ થયા બાદ તુરંત જ સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં બજેટની રૂપરેખા અને શહેરના વિકાસ માટેના આયોજનોની વિગતવાર માહિતી આપી હતી.
ચેરમેન ડો,શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, 2007-08 થી અત્યાર સુધીનું સરેરાશ કેપિટલ એક્સપેન્ડિચર (વિકાસલક્ષી ખર્ચ) ₹637 કરોડની આસપાસ રહેતું હતું, જે હવે વધારીને ₹1326 કરોડ સુધી પહોંચાડવામાં આવ્યું છે. આગામી વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં આ ખર્ચ ₹2454 કરોડ સુધી લઈ જવાની શક્યતા છે, જે દર્શાવે છે કે વડોદરામાં વિકાસની ગતિ અઢી થી ત્રણ ગણી વધી છે.
વડોદરા શહેરની મજબૂત આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, કોર્પોરેશનની બેલેન્સશીટ ઘણી સ્ટ્રોંગ છે. શહેર પાસે ₹30000 કરોડની એસેટ છે અને તેની સામે દેવું ઘણું ઓછું છે. આગામી સમયમાં પાણીના નવા સોર્સ ઊભા કરવા અને વિતરણ વ્યવસ્થા સુધારવા માટે મહાનગરપાલિકા ‘બ્લુ બોન્ડ’ બહાર પાડશે, જેનાથી નાણાકીય વ્યવસ્થા વધુ સરળ બનશે.
નાગરિકોને રાહત આપતા ચેરમેને સ્પષ્ટ કર્યું હતું કે, બજેટમાં કોઈ પણ નવી પોલિસી કે ચાર્જ લાદવાની વિચારણા નથી. જો કોઈ દરખાસ્ત હશે તો પણ તેને જનહિતમાં ખારીજ કરવામાં આવશે.
સ્થાયી સમિતિના અધ્યક્ષે ઉમેર્યું કે, આગામી બે-ત્રણ દિવસ સુધી સમિતિના સભ્યો દરેક પ્રોજેક્ટ અને પોલિસી પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરશે. આ મંથન બાદ બજેટને આખરી ઓપ આપી મંજૂરી માટે સામાન્ય સભા માં મોકલવામાં આવશે.