પાઈપલાઈનની કામગીરીના કારણે પાણી કાપ
વડોદરાના ગોરવા વિસ્તારમાં જનકપુરી સુધી પાણીની હયાત લાઈન સાથે જોડાણની કામગીરી કરવામાં આવશે અને તેને લઈ સ્થાનિકોને પાણી માટે એક દિવસ પાણી માટે વલખા મારવા પડેશે. ગોરવા વિસ્તારમાં જનકપુરી સુધી 20 ઇંચ ડાયામીટરની લાઈન લંબાવવાની કામગીરી આશરે બે કરોડના શરૂ કરવામાં આવી છે.
હાલમાં ગોરવા વિસ્તારમાં પાણીના પ્રેશરની વિકટ સમસ્યા છે. લોકોને પાણી પુરતું મળતું નથી, એટલે કંટાળ્યા છે. પાણીની વિતરણ વ્યવસ્થામાં વર્ષોથી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. ગોરવા પાણીની ટાંકીમાં પૂરતું પાણી જ ભરાતું નથી, એના કારણે પાણી વિતરણના સમય કરતા પાણી મોડું આપવામાં આવે છે. ટાંકી હેઠળના ઝોનમાં પણ પાણી પુરતું પહોંચી શકતું નથી. જ્યાં સુધી વિતરણ વ્યવસ્થામાં સુધારો કરીને ટાંકીને પૂરતું પાણી નહીં મળે ત્યાં સુધી આ રીતે નવી લાઈનો નાખવાથી પાણીનો પ્રશ્ન હલ થશે નહીં તેવું વિસ્તારના રહીશો કહી રહ્યા છે. શું નવી લાઈન નાખવાથી પાણીનો પ્રશ્ન હલ થઈ જશે તેવો સવાલ રહીશો ઉઠાવે છે. ગોરવા ટાંકીને મહીસાગર ખાતેના ફ્રેન્ચ કુવાથી પાણી મળે છે. ફ્રેન્ચ કુવાથી આવતી ફીડર લાઈનમાંથી વચ્ચે આવતા વિસ્તારોને જોડાણો આપી દેવાના કારણે ગોરવા સુધી પાણી પૂરતું પહોંચતું નથી. ગોરવામાં વર્ષોથી બીજા વિસ્તારોની સરખામણીએ મોટા બાંધકામો નથી થયા. વિસ્તારોમાં બાંધકામોના ફેરફારો થયા છે, જેના કારણે પાણીનો ઘરગથ્થુ વપરાશ વધ્યો છે, એટલે ટાંકીની ક્ષમતા મુજબ પૂરતું પાણી મેળવીને વિતરણ વ્યવસ્થા સુધારવામાં ન આવે ત્યાં સુધી નવી લાઈનો નાખવાનો કોઈ અર્થ રહેતો નથી. હાલમાં લાઈન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.