Panchmahal

વડોદરાના કોર્પોરેટર બંદિશ શાહના રિસોર્ટ પર પુરવઠા ખાતાનો દરોડો, 32 સિલિન્ડર ઝડપાયા

શિવરાજપુરના ભાટ ગામે કેરેવાન સરાઈ રિસોર્ટમાં હાલોલની પુરવઠાની ટીમ ત્રાટકી, સિલિન્ડરનો ઉપયોગ નિયમ વિરૂદ્ધ વ્યવસાયિક હેતુ માટે કરાતો હતો

હાલોલ: હાલોલ મામલતદાર કચેરીની પુરવઠા વિભાગની ટીમે શિવરાજપુરના ભાટમાં કેરેવાન સરાઈ રિસોર્ટ ખાતે છાપો મારી ઇન્ડિયન ગેસના ૩૨ જેટલા કોમર્શિયલ સિલિન્ડર ઝડપી પાડ્યા હતા. વડોદરાના ભાજપના કોર્પોરેટર બંદિશ શાહના આ રિસોર્ટ નિયમ વિરુદ્ધ સિલિન્ડર રાખવામાં આવ્યા હોવાથી પુરવઠા વિભાગે કાર્યવાહી કરી હતી.

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ. ટી.મકવાણા અને હાલોલ મામલતદાર પ્રદિપસિંહ ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ નાયબ પુરવઠા મામલતદાર અને તેઓની ટીમે આજે ગુરુવારે બપોરે ૨:૦૦ વાગ્યાના સુમારે હાલોલ તાલુકાના શિવરાજપુર ગામ પાસે આવેલ ભાટ ગામે ચાલતા કેરેવાન સરાઇ રિસોર્ટ ખાતે અચાનક જ છાપો મારી આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં હાલોલ નાયબ પુરવઠા મામલતદાર અને તેઓની ટીમના કર્મચારીઓને કેરેવાન સરાઇ રિસોર્ટ ખાતેથી તપાસ દરમિયાન ૧૯ કિલોગ્રામ વજનની ક્ષમતા વાળા કોમર્શિયલ ગેસના ભરેલા સિલિન્ડર ૧૧ નંગ અને ખાલી સિલિન્ડર નંગ ૨૧ મળી કુલ ૩૨ જેટલા ગેસના સિલિન્ડર મળ્યા આવ્યા હતા. જેમાં કેરેવાન સરાઇ રિસોર્ટ ખાતે આ કોમર્શિયલ ગેસનો ઉપયોગ વ્યવસાયિક હેતુસર માટે કરવામાં આવતો હતો .જેને લઇને ૩૨ જેટલા ગેસના સિલિન્ડર જેમાં ૧૯ કિલોગ્રામ વજનની ક્ષમતા ધરાવતા ઇન્ડિયન ગેસના ૦૮ નંગ ભરેલા સિલિન્ડર, અને ૧૯ કિલોગ્રામ વજન વાળા ૦૫ ખાલી સિલિન્ડર તેમજ ભારત ગેસના ૧૯ કિલોગ્રામ વજનવાળા ૧૫ નંગ ખાલી સિલિન્ડર તેમજ રિલાયન્સના ૧૫ કિલોગ્રામ વજનવાળા ૦૪ ખાલી સિલિન્ડર મળી કુલ ૩૨ નંગ સિલીન્ડર જેની કિંમત ૭૬,૯૪૮/- રૂપિયાનો મુદ્દામાલ હાલોલ નાયબ પુરવઠા મામલતદાર સહિત તેઓની ટીમે સ્થળ પરથી જપ્ત કર્યો હતો . જેમાં પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ ૨૦૦૦ની કંડિકા ૩(૧)(ગ)ની જોગવાઈ મુજબ ૧૯ કિલોગ્રામ વજનની ક્ષમતાવાળા ગેસ સિલિન્ડર માત્ર ૧૦૦ કિલો ગ્રામ સુધી સંગ્રહ કરી શકાય છે, જે નિયમનો સરે આમ ભંગ કરી કેરેવાન સરાઇ રિસોર્ટના સંચાલકોએ ૧૦૦ કિલો કરતાં વધુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો રાખી તેનો વ્યાપારિક હેતુસર ઉપયોગ કરતા હોવાને લઈને હાલોલ નાયબ પુરવઠા મામલતદારની ટીમ દ્વારા તમામ ૩૨ બોટલો જપ્ત કરી તેને સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલોલ પુરવઠા વિભાગની ટીમે તાલુકાના શિવરાજપુર નજીક ભાટ ગામે આવેલ કેરેવાન સરાઈ રિસોર્ટ ખાતેથી ૩૨ જેટલા કોમર્શિયલ ગેસના સિલિન્ડર જપ્ત કરી કરતા સમગ્ર હાલોલ પંથકમાં કોમર્શિયલ સિલિન્ડરનો પર્યાપ્ત જથ્થાથી વધુ નો જથ્થો રાખી કોમર્શિયલ સિલેન્ડરનો વ્યવસાયિક રીતે ઉપયોગ કરતા કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Most Popular

To Top