14 દેશોમાંથી હજારો હરિભક્તો ઉમટશે; પાંજરાપોળની 7.5 એકર જમીન પર 2 ફેબ્રુઆરીએ ભવ્ય સમારોહનું આયોજન
વડોદરા: વિશ્વવંદનીય સંત વિભૂતિ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો 92મો જન્મોત્સવ આગામી ફેબ્રુઆરી માસમાં વડોદરાના આંગણે અત્યંત ભક્તિભાવ અને દબદબાભેર ઉજવવામાં આવશે. આ ભવ્ય મહોત્સવના આયોજન અંગે માહિતી આપવા માટે સંસ્થા દ્વારા વડોદરામાં એક ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહંતસ્વામી મહારાજનો 92મો જન્મ જયંતી મહોત્સવ 2 ફેબ્રુઆરી, 2026, સોમવાર ના રોજ ઉજવાશે. આ મુખ્ય મહોત્સવ વડોદરાની પાંજરાપોળની અંદાજે સાડા સાત એકર જમીન પર સાંજે 5:00 થી 8:00 દરમિયાન યોજાશે.







આ મહોત્સવમાં ભાગ લેવા માટે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના 14 જેટલા દેશોમાંથી આશરે 14,500 જેટલા વિદેશી હરિભક્તો અને ગુણાનુરાગીઓ વડોદરા પધારશે. દેશ-વિદેશના હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં આ ઉત્સવ એક વૈશ્વિક મહોત્સવનું સ્વરૂપ ધારણ કરશે.
પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે મહંતસ્વામી મહારાજે યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી સમગ્ર વિશ્વમાં વિચરણ કરીને સત્સંગનો પ્રસાર કર્યો છે. 92 વર્ષની વયે પણ તેઓ અવિરતપણે સમાજ ઉત્થાન અને આધ્યાત્મિક જાગૃતિના કાર્યોમાં કાર્યરત છે.
આ ભવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે બીએપીએસના સ્વયંસેવકો અને સંતો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા શહેર આ આધ્યાત્મિક મહોત્સવને વધાવવા માટે આતુર છે.
મહંતસ્વામી મહારાજનું પ્રાગટ્ય વડોદરામાં થયેલું હોવાથી, છેલ્લા એક વર્ષથી અટલાદરા બીએપીએસ મંદિરના નેજા હેઠળ અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે.
*મેડિકલ સેવા: બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા 15 જેટલા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેનો 3,200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
*રક્તદાન શિબિર: પૂજ્ય સ્વામીના 92માં જન્મોત્સવ નિમિત્તે 920 ભક્તોએ રક્તદાન કર્યું હતું. જેમાં અંદાજે પોણા ચાર લાખ સીસી રક્ત એકત્ર કરવામાં આવ્યું છે, જે વડોદરાની વિવિધ સરકારી હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે અર્પણ કરવામાં આવ્યું છે.