નજરે જોનારે કહ્યું ચાલક નશામાં હતો કારચાલક ઓવરસ્પીડમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તે નશાની હાલતમાં હોવાનું નજરે જોનારે કહ્યું હતું. આ કારચાલક સ્પીડમાં કાર બ્રિજ પાસે બે એક્ટિવાને ટક્કર મારતા કાર બેથી ત્રણવાર પલટી મારી હતી અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવને લઈ તાત્કાલિક લોકોના ટોળેટોળાં ઊમટી પડ્યા હતા.
વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નશાની હાલતમાં ધૂત નબીરાએ 2 એક્ટિવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેમજ બ્રિજની સાઈડમાં બેઠેલા યુવક અને યુવતીઓને અડફેટે લીધી હતી. જેમાં MBAનો અભ્યાસ કરતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા. આ અકસ્માતે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા તથ્યકાંડની યાદ તાજી કરાવી હતી. તથ્યને બચાવવા તેના પરિવારજનો દોડી આવ્યા હતા તેમ આ ઘટનામાં પણ કારચાલક નબીરાને બચાવવા તેના પરિવારજનો દોડી આવ્યા હતા. મૃતક યુવક અને ઇજાગ્રસ્ત બન્ને યુવતી પારૂલ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં MBAનો અભ્યાસ કરનાર 24 વર્ષીય આકાશ રાકેશભાઈ ચોબલે (રહે, વાઘોડિયા રોડ, મૂળ કચ્છ, હાલ પરિવાર રાજસ્થાન રહે છે)ને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવમાં અન્ય બે યુવતી આસ્થા પરીખ અને પ્રિતી શર્માને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત કરનાર કલ્પ કનક પંડ્યા અને તેની ફિયાન્સીની હાલ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.