નવાયાર્ડ વિસ્તારમાંથી એસઓજીની ટીમે 1.38 લાખના ગાંજા સાથે બે જણાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ગાંજો, બે મોબાઇલ અને મોપેડ મળી 1.86 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે ગોરવા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે.
વડોદરા શહેરના સુભાનપુરા હાઉસિંગ વુડાના મકાનમાં રહેતો કપિલ અગ્રવાલ કે જે અગાઉ ગોરવા પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો. તે હાલમાં ગાંજાનો ધંધો કરે છે. જેથી એસઓજીની ટીમ છેલ્લા એક મહિનાથી તેના પર સતત વોચ રાખી હતી. દરમિયાન મંગળવારના રોજ બાતમી મળી હતી કે કપીલ અગ્રવાલ રાત્રીના સમયે મોપેડ લઇને ગોરવા ગોરખનાથ મંદિરથી નવાયાર્ડ બ્રિજ તરફ જતા રસ્તા પર સગવાના ઝાડવાળા ખેતર તરફ વસીમ ચૌહાણ પાસે ગાંજાનો જથ્થો લેવા જવાનો છે. જેના આધારે પીઆઇ વી એસ પટેલે બાતમી મુજબના સ્થળ પર ટીમ સાથે દરોડો પાડી કપિલ કનૈયાલાલ અગ્રવાલ તથા વસીમ આઝમખાન ચૌહાણને (બંને રહે ગોરવા)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 1.38 લાખનો 13.870 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજો, બે મોબાઇલ અને મોપેડ મળી 1.86 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે ગોરવા પોલીસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.
