એર ઈન્ડિયાએ વડોદરા દિલ્હી વચ્ચે વધુ એક ફ્લાઈટ શરૂ કરી
વડોદરા :વડોદરાના હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે વધુ એક સેવામાં વધારો કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયા દ્વારા વડોદરાથી દિલ્હી એક નવી ફલાઈટ શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઇટ ગુરુવાર અને શનિવાર સિવાય સપ્તાહમાં 5 દિવસ ઉડાન ભરશે.
વડોદરા એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની વડોદરા દિલ્હી વધુ એક ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. હાલ વડોદરા એરપોર્ટ પર વડોદરાથી દિલ્હી વચ્ચે એર ઈન્ડિયાની ત્રણ અને ઈન્ડિગોની ત્રણ એમ કુલ મળીને 6 ફ્લાઈટ છે. આ ઉપરાંત વડોદરાથી મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી , ગોવા, હૈદરાબાદ અને પુણેની ફ્લાઇટ ઉડાન ભરે છે. એર ઈન્ડિયાની વડોદરા દિલ્હી વચ્ચેની ફ્લાઈટ દિલ્હીથી 5:40 એ લેન્ડ થયા બાદ 6:30 કલાકે સાંજે વડોદરાથી દિલ્હી જવા ટેકઓફ કરશે. આ ફ્લાઇટ શરૂ થતાં પ્રથમ 170 મુસાફરોએ મુસાફરી કરી હતી. નોંધનીય છે કે વડોદરા એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 ઓક્ટોમ્બર 2016 ના રોજ કરવામાં આવ્યું હતું. જે પ્રતિ કલાક કુલ 700 ગ્રાહકોને સેવા આપવાની ક્ષમતા ધરાવે છે. હવાઈ ટ્રાફિક વધારવા અને પ્રવાસીઓના લાભ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ ઉમેરવા માટે, 26 ફેબ્રુઆરી, 2009 ના રોજ નવી સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જ્યારે 19 માર્ચ, 2023 ના રોજ સાંસદ રંજન ભટ્ટે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્ર સરકાર તરફથી અધિકૃત ગેઝેટ નોટિફિકેશન, એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને ઇમિગ્રેશન અને કસ્ટમ સુવિધાઓનું સંચાલન કરવા માટે સોંપ્યું હતું. તેથી વડોદરાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવ્યું હતું. હાલમાં તેની ગલ્ફ દેશોની ફ્લાઈટ્સ છે. યુએસએ જેવા અન્ય સ્થળોની ફ્લાઈટ્સ સક્ષમ કરવા માટે, રનવેના વિસ્તરણની જરૂર છે અને તે માટેનું હાલ આયોજન ચાલી રહ્યું છે.