મુસાફરોને છાંયો ક્યારે મળશે સવાલો ઉઠવા પામ્યા
( પ્રતિનિધિ )વડોદરા,તા.10
શહેરમાં છાયાપુરી રેલવે સ્ટેશન પર કાળઝાળ ગરમીમાં મુસાફરોને હાલાકી પડી રહી છે.જેને લઇને છાયાપુરી રેલવે સ્ટેશનમાં મુસાફરોને છાંયો ક્યારે મળશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

વડોદરા શહેરનું મહત્વનું કહેવાતું રેલવે સ્ટેશન હોવા છતાં છાયાપુરી રેલવે સ્ટેશન આજે પણ અનેક સુવિધાઓથી વંચિત છે. ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુસાફરો માટે આ સ્ટેશન ત્રાસદાયક બની ગયું છે. પ્લેટફોર્મ પર શેડની વ્યવસ્થા નહિ હોવાના કારણે મુસાફરોને સખત તાપમાં ટ્રેનની રાહ જોવી પડે છે સવારથી સાંજ સુધી ટ્રેનનો સીધો તડકો પ્લેટફોર્મ પર પડે છે. જેના કારણે લોખંડની બેંચો પણ તપી જાય છે વૃદ્ધો બાળકોને મહિલાઓ માટે આ પરિસ્થિતિ અત્યંત કષ્ટદાયક હોય છે. લાંબી મુસાફરી પહેલા કે પછી ગરમીમાં ઊભા રહેવાથી તેઓ થાકી જાય છે અને બીમાર પડવાની શક્યતાઓ પણ વધી જાય છે. સ્થાનિક લોકો અને નિયમિત મુસાફરો દ્વારા અનેકવાર આ સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.

