Business

વડા પ્રધાન, મુખ્યમંત્રીને હટાવવા અંગેનું બિલ: શું જોખમ છે?

ગૃહમંત્રી અમિત શાહે 20 ઓગસ્ટના રોજ લોકસભામાં ત્રણ મહત્ત્વપૂર્ણ બંધારણીય સુધારા બિલ રજૂ કર્યાં હતાં. આ બિલ એવા કેન્દ્રીય કે રાજ્ય મંત્રીને પદ પરથી હટાવવાનો પ્રયાસ કરે છે, જેના પર ગંભીર અપરાધોના આરોપ હોય અને સતત ઓછામાં ઓછા 30 દિવસ સુધી ધરપકડ અને અટકાયતમાં રહ્યા પછી પણ જામીન મેળવી શક્યા ન હોય. અલબત્ત, જે ગુનાઓના તેમના પર આરોપ મૂકવામાં આવ્યા છે, એ માટે તેમને ઓછામાં ઓછાં પાંચ વર્ષની જેલની સજા થશે. આ બિલ હેઠળ, વડા પ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રીને પણ હટાવી શકાય છે, જો તેમને જામીન મળતા નથી અને 30 દિવસથી વધુ સમય માટે તેમની ધરપકડ કરવામાં આવે અને અટકાયતમાં રાખવામાં આવે. જો કે, એક વાર તેમને જામીન મળી જાય તો તેઓ ફરીથી પદ ગ્રહણ કરી શકે છે.સ્વાભાવિક રીતે, આ સુધારાઓને લઈને વિરોધ પક્ષોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ બિલ તાત્કાલિક કાયદો બની શકતા નથી. તેમને પસાર કરવા માટે સંસદનાં બંને ગૃહોમાં બે તૃતિયાંશ બહુમતી જરૂરી છે.  હાલમાં, એનડીએ સરકાર પાસે બે તૃતિયાંશ બહુમતી નથી.

તો પછી, બિલો શા માટે લાવવાં? વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે, ખાસ કરીને એટલા માટે કારણ કે, ટોચનાં મંત્રીપદો પર બેઠેલાં લોકો ધરપકડ પછી સરળતાથી જામીન ન મળતાં તેઓ રાજીનામું આપવાનો ઇનકાર કરી દે છે.વિપક્ષે મોદી પર બંગાળ, તમિલનાડુ, કેરળ અને અન્ય રાજ્યોમાં તેમની સરકારોને અસ્થિર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે. એ પણ સાચું છે કે, અરવિંદ કેજરીવાલે છ મહિના સુધી જામીન ન મળવા છતાં રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. તેઓ તિહાર જેલમાં હતા ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી બની રહ્યા હતા. તેવી જ રીતે, તમિલનાડુના ડીએમકે મંત્રી સેન્થિલ બાલાજી તેમના પદ પરથી રાજીનામું આપ્યા વિના 15 મહિના સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યા. આ બિલોને હવે તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવામાં આવ્યાં છે. હાલના કાયદા શું છે?

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (આરપી એક્ટ)માં જોગવાઈ છે કે, કોઈ પણ વ્યક્તિ જે ફોજદારી કેસમાં દોષિત ઠરે છે અને તેને ઓછામાં ઓછી બે વર્ષ સુધી જેલની સજા ફટકારવામાં આવે છે, તેને તેમની સજાના સમયગાળા માટે અને ત્યાર પછીનાં છ વર્ષ સુધી સંસદ અથવા રાજ્ય વિધાનસભાના સભ્ય બનવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. લોકપ્રતિનિધિ કાયદાની કલમ 8(4)માં જોગવાઈ છે કે, જો આવી સજા સામે અપીલ દાખલ કરવામાં આવે તો આવી ગેરલાયકાત અમલમાં આવશે નહીં. જો કે, 2013માં સુપ્રીમ કોર્ટે આ કલમને ગેરબંધારણીય ગણાવીને રદ કરી હતી. એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે, હાલનો કાયદો ફક્ત સંસદ અથવા રાજ્ય વિધાનસભાના સભ્ય હોવા માટે ગેરલાયકાતની જોગવાઈ કરે છે, મંત્રી બનવા માટે નહીં. લોકપ્રતિનિધિ કાયદામાં ગેરલાયકાતનો માપદંડ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવે છે. જો ઉચ્ચ અદાલત અપીલ પર સજા પર રોક લગાવી દે છે તો ગેરલાયકાત સ્થગિત થઈ શકે છે.

આપણી બંધારણીય વ્યવસ્થા આરોપી માટે નિર્દોષતાની ધારણાની કલ્પના કરે છે અને આરોપો સાબિત કરવાની જવાબદારી ફરિયાદ પક્ષ પર નાખે છે. પોલીસ ધરપકડના 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરે છે. ત્યાર બાદ કોર્ટ આરોપો નક્કી કરે છે. તે પછી ટ્રાયલ શરૂ થાય છે અને નિર્દોષ જાહેર કરવા અથવા દોષિત ઠેરવવા સાથે સમાપ્ત થઈ શકે છે. પ્રસ્તાવિત બિલોમાં દૂર કરવાનો માપદંડ ધરપકડ અને કસ્ટડીમાં રહેવાના સતત 30 દિવસ છે. જો કે, ધરપકડ અને અટકાયત એ ગુનાહિત તપાસમાં માત્ર પ્રારંભિક પગલાં હોવાથી આવા માપદંડ યોગ્ય પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. ૨૦૧૬માં ચૂંટણી પંચે ભલામણ કરી હતી કે, જે વ્યક્તિઓ સામે સક્ષમ કોર્ટ દ્વારા ઓછામાં ઓછાં પાંચ વર્ષની કેદની સજાપાત્ર ગુના માટે આરોપો ઘડવામાં આવે છે તેમને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવે.

સમસ્યા શું છે? પ્રથમ, તેના પરિણામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ ફક્ત પોલીસ કાર્યવાહી દ્વારા તેમનું પદ ગુમાવશે. બીજું, તે સંસદીય લોકશાહીના સિદ્ધાંતોને નબળા પાડે છે, જ્યાં ચૂંટાયેલા વડા પ્રધાન અને મુખ્યમંત્રી પાસે તેમના મંત્રીમંડળ પસંદ કરવાની સત્તા હોય છે. છેવટે, તે કેન્દ્રને વિપક્ષ શાસિત રાજ્યોમાં મંત્રીઓ સામે બદલાની કાર્યવાહી શરૂ કરવાની અપ્રમાણસર શક્તિ આપે છે. નિઃશંકપણે, રાજનીતિનું અપરાધીકરણ આપણી લોકશાહી પ્રણાલી માટે એક મોટી સમસ્યા છે.

અભ્યાસ દર્શાવે છે કે, ૪૬% સાંસદો અને ૪૫% ધારાસભ્યો સામે ગુનાહિત કેસ છે. ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારની જીતવાની શક્યતા ૧૫.૪% હતી, જ્યારે સ્વચ્છ પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારની જીતની શક્યતા માત્ર ૪.૪% હતી. ઘણા પક્ષો ‘જીતવાની સંભાવના’ના પરિબળને કારણે આવી પૃષ્ઠભૂમિ ધરાવતાં ઉમેદવારોને નોમિનેટ કરવાનું પસંદ કરે છે.અમારું માનવું છે કે, ગુનાહિત રેકોર્ડ ધરાવતાં ઉમેદવારોને ચૂંટણી મેદાનમાંથી બાકાત રાખવા એ યોગ્ય પગલું હશે. પરંતુ પક્ષો ક્યારેય આ સ્વ-શિસ્તનો અભ્યાસ કરતા નથી. તેઓ ખુલ્લેઆમ ‘જીતવાની સંભાવના’ના આધારે કલંકિત ઉમેદવારોને ટિકિટ આપવાનું પસંદ કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top