Comments

વડાપ્રધાનની રશિયાની મુલાકાત : એક કરતા વધારે મુદ્દે કાચું કપાયું છે તેવું લાગે છે?

ભારતના પ્રધાનમંત્રી તાજેતરમાં રશિયાની મુલાકાતે જઈ આવ્યા. ઘણા બધા આ ક્ષેત્રના નિષ્ણાતોને આ મુલાકાતના પરિણામની ફલશ્રુતિમાં કાંઈ ઝાઝું દેખાતું નથી. રશિયા ૧૦૦ બિલિયન ડૉલર એટલે ૮૪૦૦ અબજ રૂપિયાનું ભારતમાં રોકાણ કરે એ તો કાનખજૂરાના એક પગ જેવું છે. આટલા નાના રોકાણ માટે ભારત રશિયાનું મોહતાજ છે એવું કોઈ કહેતું હોય તો એ બાલિશતા છે. આ પહેલો જ મુદ્દો લઈએ તો વડાપ્રધાનની રશિયાની મુલાકાત એ માત્ર ઔપચારિકતાની વિશેષ કાંઈ નહોતું એમ માની શકાય.

બીજું, આ કસમયે લેવામાં આવેલી મુલાકાત છે. અમેરિકામાં વૉશિંગ્ટન ખાતે જ્યારે નાટો દેશોની શિખર મંત્રણા યોજાવાની હોય ત્યારે ભારતે આ મુલાકાત પાછી ખેંચવી જોઈતી હતી. અમેરિકા એનાથી ગિન્નાયું છે એ વાત એના ભારતમાંના એલચી એરિક ગારસેટિના કડક ઉચ્ચારણો પરથી સાબિત થાય છે. રશિયા ભારતનું લાંબા સમયનું મિત્ર છે એ વાત સાચી પણ ભારત રશિયાની તરફેણમાં અથવા અમેરિકાની તરફેણમાં નથી અને હજુ પણ તટસ્થ રાષ્ટ્ર હોવાની વાત કરે છે એ વિશ્વસનીયતા ઉપર કોરડો મારવાની આ વાત છે. અમેરિકાએ પ્રધાનમંત્રી મોદીની રશિયા મુલાકાત સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતા મેથ્યુ મિલરે રશિયા સાથેના ભારતના સંબંધોને લઈને અમેરિકાની ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સીએ તો ભારતને સલાહ આપી હતી કે રશિયા સાથેના તેના મજબૂત સંબંધો ભારત માટે યોગ્ય નથી.  

યુક્રેન અને રશિયા કટ્ટર દુશ્મનો છે. એ બંને વચ્ચે ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રીએ તો ત્યાં સુધી કહ્યું છે કે, થોડાક મહિનાઓમાં જ અમેરિકાના એફ-૧૬ વિમાનો યુક્રેનના આકાશમાં ઊડતા હશે. છેલ્લા બે વર્ષથી વધારે સમયથી ચાલતા આ યુદ્ધની કડવાશ વચ્ચે યુક્રેન જેને આક્રમક ગણે છે તે રશિયા પ્રમુખ પુતીન અને ભારતના પ્રધાનમંત્રી એકબીજાને ગળે મળે એ કેવું લાગે? કાલે ઉઠીને આપણો કોઈ કહેવાતો મિત્ર દેશ પાકિસ્તાન જઈને શેહબાઝ શરીફને ગળે મળે અને તે પણ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હોય ત્યારે તો એનો શો અર્થ થાય?

ભારતે રશિયા સાથે જે કરારો કર્યા છે તેમાં પર્યાવરણ વગેરેને લગતા કરારો છે, કોઈ વિશેષ પ્રકારની સમજૂતીઓ નથી. બાકીના કરારો કયા થયા અને એનાથી ભારતને શું ફાયદો થશે એની કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. વડાપ્રધાન જ્યારે રશિયામાં હતા ત્યારે રશિયાએ બર્બરતાની સીમા સમો યુક્રેનની બાળકોની હૉસ્પિટલ ઉપર હુમલો કર્યો. આ જ પ્રકારની બર્બરતા બતાવનાર ઇઝરાયલ અને રશિયા વચ્ચે કોઈ ફરક ખરો? અને તે પણ તેવે સમયે જ્યારે યુક્રેન જેમનો દુશ્મન નથી અને નાટો દેશો સાથે જેને દુશ્મની કરવી પોસાય તેમ નથી.

તેવા દેશ ભારતના વડાપ્રધાનની રશિયામાં હાજરી દરમિયાન આવું જધન્ય કૃત્ય રશિયા કરે તેને આપણી મૂક સંમતિ માનવી કે શું? રશિયા ભારતીય પ્રધાનમંત્રીની રશિયા મુલાકાત દરમિયાન આવા હુમલા ટાળી ન શક્યું હોત? રશિયાની ભારતીય વડાપ્રધાનની આ મુલાકાત, પુતિનને ગળે મળવું, રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, અને યુક્રેનની બાળકોની હૉસ્પિટલો ઉપર રશિયાનો પાશવી હુમલો, આ બધા વચ્ચે ઝેલેન્સ્કી લાલઘૂમ ના થઈ જાય તો જ નવાઈ. ઝેલેન્સ્કીએ તો ત્યાં સુધી કહ્યું કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નેતા વિશ્વના સૌથી લોહિયાળ હત્યારાને ગળે મળે તે ખૂબ જ દુ:ખદ છે.

અને છેલ્લે, આપણી સરખામણીમાં ટાંકણીના ટોચકા જેવડા ઉત્તર કોરિયાના કીમ જોંગને જે શાહી સન્માન અપાયું એટલું સન્માન આપણને ન મળ્યાની પણ ચર્ચા છે. શું એટલા માનના પણ આપણે અધિકારી નથી? કહેવાય છે કેજેને અમેરિકા પોતાને ત્યાં થયેલ એક હત્યા માટે ગુનેગાર ગણે છે, તે ડોભાલ આ મુલાકાત પહેલા બે વાર રશિયા જઈ આવ્યા હતા. પ્રશ્ન એ છે કે આપણી વિદેશનીતિ હવે ડોભાલ નક્કી કરે છે કે જયશંકર?
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top