ફોટા પાડી શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારને મોકલી આપ્યા

વડોદરા,તા. ૪ : વિશ્વામિત્રી સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલા મ્યુનિ. કમિશનર દિલીપ રાણાને વડસરમા નદી કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી જોવા મળી હતી. તેમણે ફોટો પડી પોલીસ કમિશનરને મોકલી આપ્યા હતા.

વડોદરા શહેરની આસપાસમાંથી પસાર થતી
વિશ્વામિત્રી સહિતની અનેક નદીઓના કિનારે વર્ષોથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. પોલીસ ચોપડે દારૂ ગાળનારાઓની યાદી પણ છે. પરંતુ તંત્રના આશીર્વાદને કારણે આ પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવામાં એકપણ ઉચ્ચ અધિકારીએ અંગત રસ લઇ કડક કાર્યવાહી કરી નથી.

જેના કારણે દેશી દારૂનો વેપલો બેરોકટોકપણે ધમધમી રહ્યો છે અને તેનું સેવન કરનારા અનેક લોકોએ નાની ઉંમરે જીવ ગુમાવ્યો છે. અનેક મહિલાઓ દારૂ વ્યસનના કારણે વિધવા બની છે. પરંતુ સરકાર કે સરકારી તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરતું નથી તેનો જીવંત પુરાવો શુક્રવારે મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાને જોવા મળ્યો હતો. છેલ્લા એક પખવાડીયાથી શહેરને વિનાશક પુરથી બચાવવા માટે વિશ્વામિત્રીના ચાર ઝોનમાં કામગીરી ચાલી રહી છે. મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા અને પદાધિકારીઓ દ્વારા અવારનવાર આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે.

મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા તો રોજેરોજ કામગીરી નિહાળવા માટે જતા હોય છે. શુક્રવારે અધિકારીઓ સાથે તેઓ વડસર વિશ્વામિત્રીના કિનારે થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ સાથે પહોંચેલા દિલીપ રાણાએ ત્યાં દારૂ ગાળવાની ધમધમતી ભઠ્ઠી જોઈ હતી, એટલું જ નહીં દારૂ ભરેલા અનેક કારબા પણ ત્યાં પડેલા હતા. આ દ્રશ્ય જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેના ફોટા પાડી શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારને મોકલી આપ્યા હતા. જો કે હવે જોવું એ રહ્યું કે શહેર પોલીસ કમિશ્નર દ્વારા આ દારૂ ગાળવાની ભઠ્ઠી કાયમી ધોરણે બંધ કરાવે છે કે કેમ અને દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરતા ઇસમનો વિડીયો પણ વાયરલ થયો છે જેની સામે પગલાં ભરાય ભરાશે ખરા?
