ટેમ્પલ બોર્ડ 1975થી અમલમાં આવ્યા બાદ 50 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત સમગ્ર બોર્ડ બિનહરીફ જાહેર થયું
(પ્રતિનિધિ) વડતાલ તા 17
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં બોર્ડની તમામ સાત બેઠકો માટે ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ટેમ્પલ બોર્ડમાં ચાર વિભાગો છે – સંત વિભાગ, બ્રહ્મચારી વિભાગ, પાર્ષદ વિભાગ અને હરિભક્ત વિભાગ. સંત વિભાગમાંથી ડો.સંતવલ્લભદાસજી સ્વામી ચૂંટાયા છે. બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી (ગુરૂ ભક્તિપ્રિયાનંદજી) નિમાયા છે.
પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભભગત (ગુરૂ નીલકંઠચરણ દાસજી, સુરત) બિનહરીફ થયા છે. ગૃહસ્થ વિભાગમાંથી ચાર સભ્યો – સંજય શાંતિલાલ પટેલ, તેજસ બીપીનચંન્દ્ર પટેલ (પીપળાવ), અલ્પીત પંકજભાઇ પટેલ (વડોદરા) અને સંજય હીરાલાલ પટેલ (ગોધરા) ચૂંટાયા છે.
વડતાલ ટેમ્પલ બોર્ડની સ્કીમ 1975થી અમલમાં આવી હતી. 50 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે સમગ્ર બોર્ડ બિનહરીફ જાહેર થયું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાયું છે અને હરિભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
