અવાજોનાં જંગલોથી દૂર જંગલોના અવાજોની વચ્ચે આપણે જ્યારે વિહરીએ છીએ ત્યારે એક અલગ પ્રકારની અનુમૂતિનો અહેસાસ થાય છે. ખાસ કરીને વિવિધ પ્રકારનાં પક્ષીઓનો મિશ્રિત અવાજ એક કર્ણપ્રિય કલરવ નિર્મિત કરે છે. જેને સાંભળીને મન ભાવવિભોર થઈ જાય છે. વહેલી સવારના પરોઢિયાથી લઈ આથમતી સંધ્યા સુધી અસંખ્ય પક્ષીઓનો મધુરનાદનો આસ્વાદ કરવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત થાય છે એવા વનવાસીઓ ખરેખર ભાગ્યશાળી છે ! વનવગડાથી દૂર વસનારી પ્રજાની ભીતર વિહંગી આલાપનું આત્મસાત્ થવું એ સ્વપ્નવત્ છે ! કેમકે એ કમનસીબ પ્રજા પ્રકૃતિની ગોદ, નિસર્ગના સાંનિધ્યથી અતિ દૂર છે ! પક્ષીઓનાં અવાજોમાં વિશાળ વૈવિધ્ય દીસે છે.
આનંદ-ખુશી, ડર-વેદના, ભય સંકેત કે વિજાતીય પક્ષીને આકર્ષવા માટે થતા વિવિધ પ્રકારનાં અવાજો પક્ષી જગતને કુદરતે પ્રદાન કરેલ અપ્રતિમ બક્ષિસ સમાન છે ! મોરનાં ટહૂકા, કોયલની કૂકૂ પપીહાનું પીહૂ, ચકલીની ચીંચી કે કાગડાનાં કા…કા… થી મોટેભાગે સૌ પરિચિત છે. કિન્તુ એવા અગણિત પક્ષીય અવાજો છે કે જેના ધ્વનિમાધુર્ય માણવાની સુલભતા બધાના માટે પ્રાપ્ય નથી ! અગર એ માણવાની સુલભતા બધાના માટે પ્રાપ્ય નથી ! અગર એ માણવાની તડપ અને તાલાવેલી હોય તો બધું છોડીને વનવગડામાં મહાલવું પડે ! વનવાસીઓનાં સદ્દભાગ્યનો હિસ્સો બનવા માટે તેમની વચ્ચે રહેવું પડે અને તે વાસ્તે અમુક સમય ફાળવવો પડે. તો ચાલો એ વિહંગી સૂર-લયોથી ઝંકૃત થવા વનવગડા ભણી ઉડાન કરીએ !
શેખપુર – શાંતિલાલ પી.પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.