Comments

વંદે માતરમ્ શતાબ્દી – જેન-ઝી પેઢીને રાષ્ટ્રીય મૂલ્યો સાથે જોડનાર ભાવગીત

વર્ષ ૧૯૦૫માં બંગભંગ ચળવળ દરમિયાન અંગ્રેજોએ વંદે માતરમનાં ગાન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. છતાં ૧૯૦૬ માં બારીસાલમાં હજારો દેશભક્તોએ અંગ્રેજોના લાઠીચાર્જ વચ્ચે વંદે માતરમનો ગગનભેદી ગુંજારવ જાળવી રાખ્યો. તે સિંગાપુરમાં આઝાદ હિંદ ફોજ થકી રોયલ નેવીના ભારતીય નાવિકોએ ૧૯૪૬ માં બ્રિટીશ નેવી જહાજ પર ત્રિરંગો ફરકાવી વંદે માતરમને ભારતના સામુહિક અવાજ તરીકે પ્રસ્થાપિત કર્યો. મહર્ષિ અરવિંદ જેને “ભારતના પૂર્વજન્મનો મંત્ર’’ કહેતા.

મહાત્મા ગાંધી “સૌથી નિરસ રક્તને જાગ્રત કરવાની જાદુઈ શકિત’’ કહેતાં તે વંદે માતરમ્ ૧૮૭૫માં બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયે સન્યાસીઓના જીવનની સંઘર્ષમય વાત કહેતી નવલકથા આનંદમઠમાં ભારતમાતાની સ્તુતિ તરીકે મૂકી છે. કાર્તિકી નોમના દિવસે જગધ્ધાત્રીની પૂજા માટે સનાતનની સભ્યતાના ગૂઢાર્થથી વ્યક્ત થતા અથર્વવેદનાં સ્રોત માતા પૃથ્વી હું તારો પુત્ર છું થી લઈ દેવી માહાત્મ્યમાં વિશ્વમાતાના આહ્વાન સુધીની સ્તુતિ આજે સ્વતંત્ર ભારતના પ્રાણ તરીકે ધબકાર લઈ રહ્યું છે.


સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રથમ આહ્વાન રૂપે કવિ બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયે વંદે માતરમમાં લખ્યું કે
(૧) હે મા (માતૃભૂમિ) તમને મારાં પ્રણામ. તમે જળથી પરિપૂર્ણ અને ફળથી પૂર્ણ છો. હિમશિખરથી વાતા પવન તમને શીતળતા અર્પે છે. તમે પાકની હરિયાળીથી ઢંકાયેલાં છો. તમારી રાત્રીઓ ચંદ્રથી શોભાયમાન અને ભૂમિ પુષ્પાચ્છાદિત વૃક્ષથી ઢંકાયેલી છે. સદૈવ સ્મિત કરનારી, મધુરભાષિણી, સખપ્રદાયિની, વરપ્રદાયિની એવી મા તમને મારાં પ્રણામ.
(૨) કરોડો કંઠ મધુર વાણી તમારી પ્રશંસા કરે છે. કરોડો ભુજાઓ ધારદાર ખડ્ગથી તમારી રક્ષા માટે તત્પર છે. કોણ કહે છે મા, કે તમે અબળા છો, તમે તો બળશાળી અને તારણહાર છો. તમે શત્રુદળ સંહારક છો. મા તમને મારાં પ્રણામ.


(૩) તમે જ વિદ્યા, તમે જ ધર્મ છો. તમે જ હૃદય, તમે જ તત્ત્વ છો. તમે જ દેહમાં સ્થિત પ્રાણ છો. અમારી ભુજાઓમાં રહેલી શક્તિ તમે જ છો. હૃદયમાં સ્થિત ભક્તિ તમે જ છો. તમારી જ પ્રતિમા દરેક મંદિરમાં પ્રતિષ્ઠિત છે. હે મા તમને મારાં પ્રણામ.
(૪) તમે જ દસ પ્રકારનાં અસ્ત્ર ધારણ કરનાર દુર્ગા છો. તમે જ કમળ પર વિરાજમાન લક્ષ્મી છો. તમે વાણી અને વિદ્યાપ્રદાયિની શારદા છો. તમને પ્રણામ. તમે ધન પ્રદાન કરનાર છો, તમે અતિ પવિત્ર છો, તમે અતુલ્ય છો, તમે જળ અને ફળ પ્રદાયિની છે. મા તમને મારાં પ્રણામ.
(૫) હે મા (માતૃભૂમિ) તમે શ્યામલ, અતિ સરળ, સદૈવ સ્મિત કરનાર છો. તમે ધારિણી અને પોષણ કરનારી છો. મા તમને મારાં પ્રણામ.

ઈતિહાસ નોંધે છે કે ગીત અને કલાની અભિવ્યક્તિ ક્યારેક જાહેર આકર્ષણ બની સામાજિક ચળવળનું સ્વરૂપ લેવા સશક્ત માધ્યમ બની જાય છે. એ પછી છત્રપતિ મહારાજનાં સોનાગાન હોય, અમેરિકી નિગ્રો કમ્યુનિટીએ સ્વીકારેલ વિશેલ ઓવર કમ કે પછી ભારતની આઝાદી સમયના સર્વોદય ગાન હોય અને સંગઠન ગીતો જ સમુદાયનું આત્મસન્માન અને ગઠનનું માધ્યમ બન્યાં છે. એક કવિના શાંત પરંતુ અટલ સંકલ્પનું સર્વસ્વીકૃત પ્રતીક બની શકે છે. કંઈક અંશે ભવિષ્યવાણી રૂપે પણ પ્રસ્થાપિત થયાં છે. સરદાર વલ્લભભાઈ પટેલ જેઓને આધુનિક ભારતના ઋષિ કહેતા તે બંકિમચન્દ્રે વંદે માતરમ્ થકી ભારતને એક ભૂમિના ટુકડાથી વિશેષ ભૂ-સંસ્કૃતિ તરીકે વિસ્તાર્યું છે, જેની એકતા તેની સનાતની સંસ્કૃતિ અને સભ્યતામાંથી આવે છે.

એક તીર્થમય, બલિદાન ભૂમિ અને વિરાંગનાઓના પ્રતિભાવથી રાષ્ટ્રને જાગ્રત કરનાર બંકિમ બાબુએ લખ્યું છે “મને વાંધો નથી કે મારાં બધાં કાર્યો ગંગામાં ધોવાઈ જાય. ફક્ત આ શ્લોક કાયમ માટે જીવંત રહેશે તો તે એક મહાન ગીત તરીકે લોકહૃદયમાં પરિવર્તનને પ્રેરનાર બની રહેશે.’ ભાષા અને પ્રાદેશિક સીમાઓની પાર કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી આસામ સુધીની ભાષા અને બોલીમાં ઝીલાતું વંદે માતરમ્ બ્રિટીશ એપાયરને હચમચાવી નાખનાર તો રહ્યું જ પણ સ્વતંત્રતા પછી એક રાષ્ટ્ર અખંડ રાષ્ટ્રના સંકલ્પને પણ દૃઢ કરનાર રહ્યું છે.

એક રાષ્ટ્રગાનથી વિશેષ મા ભારતીને ખરા હૃદયથી વંદન એટલે વંદે માતરમ્, આઝાદીની અમૃતવેદી પર બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓની શહીદી એટલે વંદે માતરમે રાષ્ટ્ર ગૌરવ અર્પતા અને ગુલામીની માનસિક્તાનો ધ્વંસ કરતાં પ્રતીકો એટલે વંદે માતરમ્. દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસા પ્રત્યે ૧૪૦ કરોડ દેશવાસીઓનો શ્રદ્ધાભાવ તે વંદે માતરમ્. ૮૦૦૦ વર્ષથી વિકસિત સાંસ્કૃતિક પરંપરાઓ માટે ગૌરવ તે વંદે માતરમ્. પ્રયાગરાજના મહાકુંભ કે રામમંત્ર મંદિર દ્વારા વ્યક્ત થતી નાગરિકોની સામુહિક ચેતના તે વંદે માતરમ્, રાષ્ટ્રના સામુહિક ભવિષ્ય માટે વ્યક્તિના કર્મઠ સંકલ્પો એટલે વંદે માતરમ્, પરસ્પરની સંસ્કૃતિમાં આસ્થા એ વંદે માતરમ્ બને છે ત્યારે ખ્યાલ રહે આવતાં ૧૫ વર્ષમાં એ.આઈ. સંચાલિત રોબર્ટ ટેક્નોલોજી સમગ્ર ભૂ-પટ ઉપર છવાઈ જશે ત્યારે પણ માનવીય શ્રદ્ધાનું બળ પ્રબળપણે વંદે માતરમ્ તરીકે પ્રભાવિત રહેવાનું છે.

ગોડ સેવ ધ ક્વીનના ગુલામી આદેશ સામે સ્વાતંત્ર્યનું નવચેતન વહેવડાવતું એક ભાવાત્મક ગાન જન-જનને જોડનાર વંદે માતરમ્ હતું. ૧૮૦૬ માં પશ્ચિમ બંગાળના ગામ બરીથામાં સરોજિની બોઝ અને બીજી અનેક સ્ત્રીઓ તેમ નાગપુરમાં શાળાનાં વિદ્યાર્થીઓએ વંદે માતરમ્ માટે થઈ અંગ્રેજના કોરડા સહ્યા. બાકસની પેઢી ઉપરથી લઈ દેશના ત્રિરંગા ઉપર લહેરાતા વંદે માતરમ્ એ બુલંદ અવાજે જયઘોષ કરતાં કહ્યું હે ભારતમાતા, તારી દિવ્ય પતાકાને વંદન હજો. વંદે માતરમ્ શતાબ્દીએ એક ભવ્ય ઇતિહાસના પુનઃજાગરણનો પ્રારંભ છે. સ્વદેશી અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો પ્રારંભ છે. છેવાડેના માણસના ખ્યાલમાં વંદેમાતરમ્ નવી પેઢી માટે ઊર્જાસ્રોત બની વહેતું રહેવાનું છે.

ગુલામી અને પછીથી સ્વાતંત્ર્યનાં ૧૫૦ વર્ષના કાળખંડમાં વંદે માતરમ્ એક રાષ્ટ્રગાનથી વિશેષ ભારતભૂમિને રાષ્ટ્ર તરીકે જોડનાર જન-જનની ભાવનાઓનું પ્રતીક રહ્યું છે ત્યારે તેને માત્ર રાષ્ટ્રભક્તિના પ્રતીકથી આગળ વધારી નવી પેઢીમાં જીવાતા રાષ્ટ્રીય મૂલ્યોના વિચાર તરીકે પ્રસ્થાપિત કરીએ. શાળા સ્તરે ગુલામીની માનસિક્તા તોડવાના કાર્યક્રમો તરીકે મૂકીએ જેથી સ્વતંત્રતાનાં શતાબ્દી વર્ષે ભારતનાં યુવાનો રાષ્ટ્રની ભવ્ય સંસ્કૃતિ અને વારસાના પથદર્શક બની તેને જાળવવા માટે પોતાની જવાબદારી મહેસૂસ કરે. રાષ્ટ્રભાવને વધુ વિશાળ અને મજબૂત કરવા પ્રતિબદ્ધ રહે. ભારતની નવી પેઢી સાંસ્કૃતિક વારસાને નવી ઊર્જા તરીકે સ્વીકારે તે વંદે માતરમ્ પર્વનું સાકાર સ્વરૂપ છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top