Vadodara

વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેનમાં ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા ટિકિટ રદ કરાવશો તો રિફંડ ઝીરો

વડોદરાથી મુસાફરી કરતા મુસાફરો માટે નવા નિયમો જાણવા અનિવાર્ય:

8 થી 72 કલાક વચ્ચે ટિકિટ કેન્સલ કરાવવા પર 50 ટકા ચાર્જ કપાશે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

ભારતીય રેલવે દ્વારા પ્રીમિયમ ટ્રેનો જેવી કે વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેનો માટે ટિકિટ કેન્સલેશનના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયના નવા નોટિફિકેશન મુજબ, હવે જો મુસાફર ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમયના 8 કલાક પહેલા ટિકિટ રદ કરાવશે, તો તેને એક પણ રૂપિયાનું રિફંડ મળશે નહીં.

વડોદરા રેલવે સ્ટેશન પરથી પસાર થતી અને અહીંથી ઉપડતી આવી પ્રીમિયમ ટ્રેનોના મુસાફરોએ હવે પોતાની મુસાફરીનું આયોજન ખૂબ જ સાવચેતીપૂર્વક કરવું પડશે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત જેવી ટ્રેનોમાં દરેક મુસાફરને કન્ફર્મ બર્થ અથવા સીટની ખાતરી આપવામાં આવે છે. આ ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ કે આરએસી જેવી સ્થિતિ રાખવામાં આવતી નથી. જો છેલ્લી ઘડીએ ટિકિટ રદ થાય, તો સીટ ખાલી રહેવાની શક્યતા વધી જાય છે, જેનાથી રેલવેને સીધું આર્થિક નુકસાન થાય છે. આ નુકસાનને ટાળવા માટે કેન્સલેશનના નિયમો કડક બનાવાયા છે. નોંધનીય છે કે, જનરલ ટિકિટો માટે જૂના નિયમો યથાવત રાખવામાં આવ્યા છે, જેથી સામાન્ય મુસાફરોને મુશ્કેલી ન પડે. વંદે ભારત ચેર કાર અને વંદે ભારત સ્લીપર વચ્ચે પણ તફાવત રાખવામાં આવ્યો છે. ચેર કાર ટૂંકા અંતર માટે છે, જ્યારે સ્લીપર ટ્રેનો લાંબા અંતરની મુસાફરી અને આધુનિક પ્રીમિયમ સુવિધાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. ત્યારે, રેલવે દ્વારા મુસાફરોને છેલ્લી ઘડીએ થતા આર્થિક નુકસાનથી બચવા માટે ટિકિટ બુક કરતા પહેલા મુસાફરીની તારીખ અને સમય વિશે સંપૂર્ણ ખાતરી કરી લેવા જણાવાયું છે.

Most Popular

To Top