ગળા પર દોરી ફરતા પહેલા જાગશે પાલિકા? સ્પીડબ્રેકર પર પટ્ટા અને બ્રિજ પર જાળી લગાવવા લોક માંગ
વડોદરા:
વડોદરા ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગોત્સવની તૈયારીઓ વચ્ચે વડોદરાના વાહનચાલકોમાં જીવલેણ દોરીને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. ખાસ કરીને શહેરના સૌથી વ્યસ્ત ગણાતા જેતલપુર બ્રિજ પર પતંગની ઘાતક દોરીથી બચવા માટે મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા સેફ્ટી તાર લગાવવામાં આવે તેવી માંગ સ્થાનિક નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવી છે.

દર વર્ષે ઉતરાયણ દરમિયાન બ્રિજ પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો માટે કપાયેલા પતંગની દોરી ગંભીર અકસ્માતનું કારણ બને છે. બ્રિજ પર વાહનોની ગતિ વધુ હોવાથી કપાયેલી દોરી સીધી ચાલકના ગળા કે ચહેરા પર વાગે છે, જે ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. અગાઉના વર્ષોમાં આવી અનેક ઘટનાઓ બની છે જેમાં વાહનચાલકોના ગળા કપાયા હોય અથવા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોય.

સ્થાનિક વાહનચાલકો અને જાગૃત નાગરિકોનું કહેવું છે કે, જેતલપુર બ્રિજ શહેરનો મુખ્ય માર્ગ હોવાથી ત્યાં સતત ટ્રાફિક રહે છે. જેમ શહેરના અન્ય બ્રિજો પર તાર લગાવવામાં આવ્યા છે એમ જેતલપુર બ્રિજ પર પણ વડોદરા મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ સમયસર બ્રિજની બંને બાજુ સેફ્ટી તાર અથવા લોખંડની જાળી તાર લગાવી દે, તો મોટી દુર્ઘટનાઓને ટાળી શકાય તેમ છે.

વધુમાં, નાગરિકોએ પાલિકાની બેદરકારી અંગે પણ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માત્ર સેફ્ટી તાર જ નહીં પરંતુ નવા બનેલા સ્પીડ બ્રેકરો પર ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા મારવામાં પણ તંત્ર આળસ કરી રહ્યું છે, જેના કારણે રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે.