કાલોલ | તા. 10/01/26
લોન અપાવી આપવાની લાલચ આપી નાણા લઇ અને બાદમાં આપેલા ચેક બાઉન્સ થતા કાલોલ કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની સજા અને ચેકની રકમ વળતર તરીકે ચૂકવવાનો મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે.
કાલોલના ગધેડીયા ફળિયામાં રહેતા ફરિયાદી ઇમ્તિયાઝ સલમાનભાઇ સુબનને રવેરી ચોકડી, સિંહોણની મુવાડી (તા. ઘોઘંબા) ખાતે રહેતા આરોપી જયદીપસિંહ ભગવાનસિંહ જાદવ કાલોલ બસ સ્ટેશન નજીક લસ્સીની લારી પર મળ્યા હતા. વાતચીત દરમિયાન આરોપીએ પોતે ફાઇનાન્સનું કામ કરતો હોવાનું કહી લોન કરાવી આપવાની ખાતરી આપી હતી અને બંને વચ્ચે મોબાઇલ નંબરની આપલે થઈ હતી. ત્યારબાદ ફરિયાદીના પિતા સાથે આરોપીની મુલાકાત થઇ હતી.
આરોપીએ લોન પ્રોસેસ માટે નાણાંની માંગ કરતા ફરિયાદીના પિતાએ ફોનપે, ગુગલપે તેમજ રોકડ મારફતે અલગ અલગ તારીખે કુલ રૂ. 6,69,800/- આરોપીને ચુકવ્યા હતા. પરંતુ આરોપીએ કોઈ લોન કરાવી ન આપતા અને નાણા પરત ન આપતા ફરિયાદીએ તા. 04/10/22ના રોજ પોલીસ સ્ટેશન તથા ડીસીપી કચેરીમાં ફરિયાદ કરી હતી.
ત્યારબાદ નોટરી સમક્ષ બાહેધરી કરાર કરવામાં આવ્યો હતો, જેમાં આરોપીએ ફરિયાદીના નામે કોટક મહિન્દ્રા બેંક, રાબોડ શાખાના ચાર ચેક આપ્યા હતા. જેમાંથી રૂ. 60,000/- (26/12/22), રૂ. 1,00,000/- (30/01/23) અને રૂ. 1,00,000/- (11/04/23)ના ત્રણ ચેક અપૂરતા ભંડોળના કારણે રિટર્ન થયા હતા.
આ અંગે ફરિયાદીએ નોટિસ આપ્યા બાદ કાલોલના એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં એડવોકેટ પી. એમ. શેખ મારફતે અલગ અલગ તારીખે ત્રણ ફરિયાદો દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે નોટિસ મળી નથી તેમજ દબાણથી કોરા ચેક લેવાયા હોવાનું દલીલ કર્યું હતું.
પરંતુ ફરિયાદ પક્ષની દલીલોને ધ્યાને લઇ કાલોલના એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ. એસ. પટેલે નોંધ્યું હતું કે આરોપીએ નોટરી સમક્ષ બાહેધરી કરાર કરી ચેક આપ્યાનું સ્વીકાર્યું છે તથા ચેક પરની સહી અંગે કોઈ વાંધો લીધો નથી. પરિણામે કોર્ટએ ત્રણેય કેસમાં આરોપી જયદીપસિંહ ભગવાનસિંહ જાદવને એક વર્ષની સજા તથા ચેકની રકમ વળતર તરીકે ફરિયાદીને ચૂકવવાનો આદેશ આપ્યો છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા