સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો, ડુપ્લીકેટ ચાવીથી પોતાની જ કાર ઉઠાવી
પ્રતિનિધિ : ગોધરા, તા. ૩૦
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી થોડા દિવસો અગાઉ થયેલી અર્ટીકા કાર ચોરીના ગુનાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ગોધરાએ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે સુરતના એક શખ્સની ધરપકડ કરી રૂ. ૩.૫૦ લાખની કિંમતની ચોરાયેલી કાર કબજે કરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે કે ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તે કારનો મૂળ માલિક જ હતો.
બનાવની વિગતો મુજબ ગત તા. ૦૯/૦૧/૨૦૨૬ના રોજ સુલીયાત ગામેથી અર્ટીકા કાર નં. GJ-21-CD-9941ની ચોરી થઈ હતી. આ બાબતે તપાસ હાથ ધરતા LCB ગોધરાને બાતમી મળી હતી કે સુરતનો રહેવાસી કૈલાસકુમાર ભવરલાલ જૈન આ ગુનામાં સંડોવાયેલો છે. પોલીસે આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી.
આરોપીએ જણાવ્યું હતું કે તેણે એપ્રિલ-૨૦૨૫માં આ કાર લોન પર ખરીદી હતી. ત્યારબાદ લોનના હપ્તા ન ભરાતા જુલાઈ-૨૦૨૫માં બેંક દ્વારા કાર જપ્ત કરવામાં આવી હતી. બાદમાં આરોપીને જાણ થઈ કે આ કાર સુલીયાત ગામે રાખવામાં આવી છે. જેથી પોતાની પાસે રહેલી ડુપ્લીકેટ ચાવી લઈને તે રાત્રિના સમયે સુલીયાત ગામે પહોંચ્યો હતો અને કોઈને જાણ કર્યા વિના પોતાની જ જૂની કાર ચોરીને લઈ ગયો હતો.
પોલીસ કાર્યવાહી
હાલ મોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના સંદર્ભે પોલીસે આરોપી પાસેથી ચોરાયેલી અર્ટીકા કાર કબજે કરી છે અને સમગ્ર પ્રકરણમાં આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં કાર ચોરી પાછળની અનોખી હકીકત સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.