- પાદરાના પૂર્વ ધારાસભ્યના નામ ઉપર પસંદગી કરાઈ
- અનેક નામ ઉપર ચર્ચા બાદ આયાતી ઉમેદવારની પસંદગી
લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા વધુ 12 ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં વડોદરાના ઉમેદવાર તરીકે પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જશપાલસિંહ પઢીયાર અગાઉ લોકસભાની ચૂંટણી લડવા માટે ના પાડી ચૂક્યા છે તેમ છતાં તેઓના નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી છે.
લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા આગેવાન ડો. હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું. વડોદરા લોકસભા વિસ્તારમાં કોણ ઉમેદવાર હશે તેની અનેક અટકળો ચાલી રહી હતી જેમાં શહેર પ્રમુખ ઋત્વિજ જોષી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના નામો ચર્ચામાં હતા જોકે આ અગાઉ પાદરાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લાના પૂર્વ પ્રમુખ જસપાલસિંહ પઢીયારનું નામ પણ ચર્ચામાં હતું પરંતુ પાદરા એ છોટાઉદેપુર સંસદીય મત ક્ષેત્રમાં લાગે છે તેથી તેઓએ અગાઉ વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે લડવાની ના પાડી હતી અને ચર્ચાઓ બાદ કોંગ્રેસ દ્વારા વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે તેઓના જ નામની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે જશપાલસિંહ એ સંગઠન ઉપર પણ પકડ ધરાવે છે. ઉપરાંત તેઓના મત ક્ષેત્રમાં પણ તેઓ ખુબ વર્ચસ્વ ધરાવે છે પરંતુ તેઓનું મતક્ષેત્ર વડોદરા સંસદીય ક્ષેત્રમાં નથી આવતું જેથી તેઓને કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું.