આણંદ તા.31
આણંદમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાને લઈ આણંદ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવેલ નોડલ અધિકારીઓની બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં નોડલ અધિકારીઓને સંકલન રાખવા તાકીદ કરવામાં આવી હતી.
આણંદમાં નોડલ અધિકારીઓની મળેલી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીએ તેમને સોંપવામાં આવેલી કામગીરી બાબતે સમજણ આપી આગામી સમયમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં, પારદર્શકતા સાથે યોજાય તે માટે નોડલ અધિકારીઓને પરસ્પરના સંકલન સાથે વધુ સારૂ કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે ચૂંટણી સંદર્ભે વિવિધ અધિકારી – કર્મચારીઓને આપવાની થતી તાલીમ બાબતે માર્ગદર્શન આપી ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ લોકોને તાલીમ મળી રહે અને એકપણ વ્યક્તિ તાલીમ વગર બાકી ન રહે તે જોવા પણ જણાવ્યું હતુ. આ બેઠકમાં ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીએ ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા તમામ અધિકારી – કર્મચારીશ્રીઓ માટે સારી સુવિધા ઉપલબ્ધ બને તે અત્યંત જરૂરી છે તેમ જણાવી આ બાબતે સબંધિત અધિકારીશ્રીઓને જરૂરી ધ્યાન રાખવા પણ કહયું હતુ.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુનએ નોડલ અધિકારીઓને લોકસભાની ચૂંટણી સંદર્ભે કરવાની થતી કામગીરીની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી. નોડલ અધિકારીઓની આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર એસ. દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઈ સહિતના નોડલ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભા ચૂંટણી ઇફેક્ટ | નોડલ અધિકારીઓને સંકલન રાખવા તાકીદ
By
Posted on