ભારતની આઝાદીના પંચોતેરમા વર્ષે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતીયો ગણતંત્રની અનુભૂતિ કરે છે ખરા? ગણતંત્રમાં ન તો કોઈ રાજા હોય કે ન કોઈ રાણી. દેશની કુલ જનસંખ્યાના ભાગાકારમાં જેટલો અંશ આવે તેટલા અંશે દરેક ભારતીય પોતે જ રાજાના દરજ્જે હોય. તમામ સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ, કાર્યાલયો, ભવનોના અધિકારીઓ, કર્મચારીઓ ભારતીયજનોના સેવક જ છે, સાહેબો નહીં. આમ છતાં તેમને ‘સાહેબ’, ‘સાહેબ’ કરીને દયામણી રીતે કાલાવાલા કરવા પડે છે. સ્વાતંત્રતા સંગ્રામની સફળતાને કારણે સત્તાંતરણ થયું. ભારતીય બંધારણ સમિતિ દ્વારા તૈયાર થઈ માન્યતા પામેલ સંવિધાન અમલમાં મૂકાયા બાદ રાષ્ટ્રવ્યાપી ચૂંટણી થયા બાદ ભારત સરકાર બની, પણ સરકારી તંત્રો, સંસ્થાઓ, કાર્યાલયો ‘‘વહી રફતાર બેઢંગી’’ની રીતે ચાલ્યાં, તેને પરિણામે આજે પણ ગણતંત્ર દયાજનક હાલતમાં છે.
સાચી ટીકા કે વિરોધ પણ સત્તાધીશો સહન કરી શકતા નથી અને રાજદ્રોહ લાદી દેવાય છે. પગારદાર સરકારી સેવકોના મિજાજ અનુસાર કાર્યવાહી થાય છે, રાજનેતાઓ શાહી ઠાઠમાઠ સાથે રાજાશાહી રૂઆબ અને મિજાજમાં મહાલે છે. પ્રાચીનકાળમાં નગર રાજ્યો હોવાથી તેમાં વસનાર લોકો ‘‘નાગરિક’’ કહેવાય, તેજ રીતે અંગ્રેજીમાં નગરને સિટી કહેવાથી દેશવાસીઓ ‘સિટીઝન’ કહેવાયા. રાષ્ટ્રમાં ભારતવાસી ‘‘રાષ્ટ્રિક’’ કહી શકાય, ગણતંત્ર-લોકશાહી ન હોય તેવા દેશના લોકો ‘‘દેશિક’’ બની શકે. અંગ્રેજીના ભાષાવિદો તેમને અનુરૂપ નવો શબ્દ પ્રયોજી શકે. ગણતંત્ર- લોકશાહીને વરેલા રાષ્ટ્ર ભારતમાં વસનાર ‘‘ભારતીય’’ જ છે અને કાયદેસરનો ભારતીય આંશિક સત્તાધીશ ગણાય, તેથી તેને પ્રજાજન કહી ‘‘પ્રજા’’ના દરજ્જે નહીં કૂમાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.