મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે જણાવ્યું છે કે લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ઘરેલુ હિંસાની ફરિયાદો વધી ગઇ છે. રાષ્ટ્રીય મહિલા પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ જણાવે છે કે જે કુલ ૨પ૭ ફરિયાદો મળી છે તેમાંથી ૬૯ ફરિયાદો કૌટુંબિક હિંસાને લગતી છે. આ પંચના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું હતું કે ઘરેલુ હિંસાના કેસોની સંખ્યા ઊંચી જ છે પરંતુ મહિલાઓ તેમના પર જુલમ કરનારની ઘરમાં સતત હાજરી હોવાને કારણે ફરિયાદ કરતા ડરે છે. લૉકડાઉનના કારણે મહિલાઓ પોલીસ સ્ટેશન સુધી જઇ પણ શકતી નથી. રાષ્ટ્રીય મહિલા પંચ આવી ફરિયાદોના સતત સંપર્કમાં છે એમ તેમણે જણાવ્યું હતું. રાષ્ટ્રીય ચળવળકાર કવિતા કૃષ્ણન, કે જેઓ અખિલ ભારરતીય પ્રગતિશીલ મહિલા મંડળના મંત્રી પણ છે તેમણે જણાવ્યું હતું કે જો સરકારે લોકડાઉન પહેલા કંઇક ચેતવણી આપી હોત તો જોખમ ધરાવનાર મહિલાઓ સલામત સ્થળે પણ ખસી જઇ શકી હોત. સેન્ટર ફોર સોશ્યલ રિસર્ચના ડિરેકટર રંજના કુમારીએ જણાવ્યું હતું કે લૉકડાઉનના કારણે બધા ઘરે છે અને અત્યાચારનો ભોગ બનનાર મહિલાઓ મદદ માટે બહાર જવાની હિંમત કરી શકતી નથી.
લૉકડાઉન શરૂ થયા પછી ઘરેલુ હિંસાની ફરિયાદો વધી ગઇ: રાષ્ટ્રીય મહિલા પંચ
By
Posted on