પાલિકાની ટીમને જોતા જ ઢોરવાડાના માલિક ભડક્યા

વડોદરા વાઘોડિયા રોડ પર દ્વારકા નગર વિસ્તારમાં ખાનગી જમીનમાં બનાવવામાં આવેલા ઢોર વાડામાં ટેગિંગ વિનાના ઢોર પકડવા સહિત ઢોરવાડા તોડવાની કાર્યવાહી શરૂ કરાતા જ ગૌપાલકો અને જમીન માલિકે કરેલી લાઇસન્સ અંગેની દલીલો બાદ પાલિકા દબાણ શાખાની ટીમ સહિત અધિકારીઓ સાથે રકઝક થવા પામી હતી. જમીન માલિકે જણાવ્યું હતું કે ખાનગી જમીનમાંથી પાલિકા ઢોર પકડી શકે નહીં તેવી દલીલ કરી હતી.

વડોદરામાં રખડતા પશુની ફડફેટે મોતની ઘટના તાજેતરમાં સામે આવી હતી. તે બાદ પાલિકા તંત્ર દ્વારા 18 જેટલી ટીમો બનાવીને રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી વચ્ચે ગુરૂવારના રોજ વડોદરા પાલિકાની ટીમો બાપોદ પોલીસ મથક વિસ્તારમાં ઢોરવાડા પર પહોંચી હતી અને ટેગ વગરના પશુને જપ્ત કરવાની કામગીરી કરવામાં પાલિકા તંત્રની ટીમ વિસ્તારમાં પહોંચી હતી. પાલિકાની ટીમને જોતા જ ઢોરવાડાના માલિક ભડક્યા હતા.

વાઘોડિયા બાપોદ વિસ્તારમાં આવેલા દ્વારકા નગરમાં કેટલાક ઢોરવાડા હોવાની જાણ પાલિકા તંત્રને થઈ હતી. મચ્છરો અને બદબૂથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. પરિણામે પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ, પાલિકા સુપ્રિન્ટેન્ડેન્ટ પંચાલ, સ્થાનિક વોર્ડની ટીમ સહિત બાપોદ પોલીસનો સ્ટાફ આજે દ્વારકા નગર ખાતે પહોંચી ગયો હતો. જ્યાં કાર્યવાહી શરૂ કરતાં અગાઉ જ ગૌપાલકો સહિત જમીન માલિક આવી ગયા હતા. પાલિકા તંત્ર સમક્ષ જમીન માલિકે દલીલો કરી હતી કે ખાનગી જમીન છે. જેમાંથી તમે ઢોર પકડી શકો નહીં. પરંતુ પાલિકા તંત્રે ટેગિંગ વિનાના ઢોર પકડવાની વાત કરી હતી. આ વખતે પાલિકા તંત્રની ટીમો અને ગૌપાલકો સહિત જમીન માલિક સાથે રકઝક થઇ હતી. અને વિવાદ મોટો ના થાય તેને લઈને પાલિકા તંત્રે સમાધાન રૂપે દંડનીય કાર્યવાહી કરીને હાલત તુરત ઢોરવાડા તોડવાનું મુલતવી રાખ્યું છે.
