Vadodara

લાઇનનો એર વાલ્વ તૂટી જતાં પૂર્વ વડોદરામાં ફરી જળ સંકટના એંધાણ

ખાનગી કારના અકસ્માતમાં ઊભી થઈ મોકાણ, રિપેર શરૂ કરાયું

વડોદરાના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત પાણીની સમસ્યા સર્જાય તેવી સ્થિતીનું સર્જન થવા જઇ રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પાણીની લાઇનના એર વાલ્વ સાથે ખાનગી કારનો અકસ્માત થતા તે તુટી જવા પામ્યો છે. જેને લઇને તેનું રીપેરીંગ કાર્ય હાથ ધરવાનું પાલિકા (VMC) તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
તો બીજી તરફ સ્થાનિક કોર્પોરેટર દ્વારા વિસ્તારના રહીશોને ધીરજ રાખવા જણાવ્યું છે.

દુરસ્ત કરવા માટે ટીમ કામે લાગી

વડોદરામાં અવાર-નવાર પાણીની સમસ્યા સામે આવતી રહે છે. પરંતું આગામી સમયમાં શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની મોકાણની સ્થિતી માટે અકસ્માત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આજે સવારે 8 વાગ્યાના અરસામાં આજવાથી આવતી પાણીની લાઇનના એર વાલ્વમાં કાર અકસ્માત થયો છે. જેને લઇને તેને દુરસ્ત કરવા માટે પાલિકાની ટીમ કામે લાગી છે. તો બીજી તરફ મરમ્મતની કામગીરીને લઇને પૂર્વ વિસ્તારના હજારો લોકોને પાણીનો પુરવઠો નહિ મળી શકે તેવું સુત્રો જણાવી રહ્યા છે. જેને લઇને સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશી સોશિયલ મીડિયા પર સક્રિય થયા છે. અને લોકો માટે વિડીયો સંદેશ મુક્યો છે.
તમામને ધીરજ રાખવા માટે અપીલ

જેમાં કોર્પોરેટર આશિષ જોશી જણાવે છે કે, આજે સવારે 8 વાગ્યે આજવાથી આવતી 1500 મીમીની પાણીની લાઇનનો એરવાલ્વ ખાનગી કાર દ્વારા તુટી ગયો હોવાની જાણકારી મળી છે. પાણી પુરવઠા વિભાગની ટીમ સ્થળ પર પહોચીને કામ કરી રહી છે. ફરી પૂર્વ વિસ્તારમાં પાણીની કટોકટી સર્જાવવા જઇ રહી છે, ત્યારે હું તમામને ધીરજ રાખવા માટે અપીલ કરું છું, તમારા માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે.

લાઇન પૂર્વવત ઝડપથી કરવા માટે સુચના

વધુમાં તેઓ જણાવે છે કે, જેટલું જલ્દી બને તેમ પાણીની લાઇન પૂર્વવત થાય તેવી કામગીરી ઝડપથી કરવા માટે સુચના આપી દેવામાં આવી છે. શહેર પાલિકા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ સ્થિતીને ગંભીરતાને ધ્યાને રાખીને કામે લાગ્યા છે. પૂર્વ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન સર્જાવવાનો છે ત્યારે તમામને ધીરજ રાખવા માટે અપીલ છે. અકસ્માત થવાથી વાલ્લ ફરી તુટ્યો છે. જે બાદ તેને દુરસ્ત કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top