આમ તો દુનિયા અને સમાજ પહેલેથી જ પ્રેમવિરોધી રહ્યો છે. પ્રેમ કરનારાં લોકોને કંઈ કેટલીયે યાતના, પીડા સહન કરવી પડી એવાં હજારો ઉદાહરણ છે. પ્રેમને નામે કોઈની પણ જિંદગી સાથે રમત રમાય એ ખોટું જ છે. પરંતુ બે પ્રેમી જ્યારે પરિપક્વ હોય અને પોતાની મરજી લગ્ન કરી લે તે પછી સમાજ એમનાં લગ્ન ફોક કરાવે, સમાજની ઇજ્જતના નામે આ ખરેખર ખૂબ જ મોટું દુર્ભાગ્ય છે. કોઈ દીકરી બીજા સમાજમાં લગ્ન કરે તો સમાજની ઈજ્જત જાય પણ સમાજના જ છોકરાઓ ગમે તે ગુનાઓ, પાપ કે અધર્મી કૃત્યમાં પકડાય તો સમાજની આટલી બદનામી થતી નથી. જો ખરું વિચારીએ તો આ પ્રેમના અભાવમાં જ આજે સામાજિક દૂષણોમાં વધારો થયો છે. લગ્ન માતા-પિતાની મરજીથી તો થઈ જાય પણ શું બધાં જ પતિ પત્ની સાચે જ એકબીજાને પ્રેમ કરે છે ખરાં?
જો સાચે જ પ્રેમ કરતાં હોય તો નાની સમસ્યામાં પણ કેમ છૂટાછેડા થઈ જાય છે? સમાજના નામ પર હંમેશા સામાન્ય યુવક યુવતીઓની બલિ ચઢાવી દેવામાં આવે છે. સમાજ હશે જરૂરી એમાં ના નહીં પણ મારા વ્યક્તિગત જીવનમાં બધું જ જો સમાજે જ નક્કી કરવાનું હોય તો મારા સ્વતંત્ર અસ્તિત્વનું શું? આજે નહીં તો કાલે આ સમાજના બંધનની પાળો તૂટશે અને ત્યારે જે પરિસ્થિતિ હશે એના માટે જવાબદાર આજ સમાજનાં આગેવાનો હશે. જે લોકો પ્રેમને સમજે છે તેમણે આ વિષય પર જરૂર અવાજ ઉઠાવવો રહ્યો.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.