Vadodara

લગ્ન પછી પણ હિન્દુ પૂર્વ પ્રેમિકાને ધમકી આપી હેરાન કરનાર મુસ્લિમ યુવક સામે ફરિયાદ

વડોદરા, તા. 21 : વડોદરા શહેરમાં એક મુસ્લિમ યુવકે લગ્ન થઈ ગયા હોવા છતાં તેની પૂર્વ હિન્દુ પ્રેમિકાને ફરી સંબંધ રાખવા દબાણ કરી અને મરી જવાની ધમકી આપતાં મામલો ગોત્રી પોલીસ મથક સુધી પહોંચ્યો છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, ખાનગી કંપનીમાં નોકરી કરતી હિન્દુ યુવતીનો વર્ષ 2020માં સોશિયલ મીડિયા મારફતે તાંદલજાનો રહેવાસી મહોમદ કૈફ સાથે સંપર્ક થયો હતો. મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો અને લગ્ન કરવાનો નિર્ણય પણ કર્યો હતો. જોકે, બંને અલગ-અલગ ધર્મના હોવાથી પરિવારજનો દ્વારા લગ્ન માટે સંમતિ અપાઈ ન હતી.
દરમિયાન યુવકના પરિવારજનો દ્વારા તેના ધર્મની યુવતી સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવતીએ તમામ સંબંધ તોડી નાંખ્યા હોવા છતાં યુવક દ્વારા વારંવાર ફોન કરી હેરાન કરવામાં આવતી હતી. યુવતીએ નંબર બ્લોક કર્યા છતાં યુવક અલગ-અલગ નંબરથી કોલ કરી ‘સબંધ નહીં રાખે તો આત્મહત્યા કરી લેશે’ તેવી ધમકી આપતો હતો.
અંતે યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top