વ્યાજ સાથે રકમ 100 કરોડ સુધી પહોંચી શકે!
અસરગ્રસ્તો સામે વીસ વર્ષ જૂના વિવાદમાં કોર્પોરેશનની મજબૂત કાર્યવાહી
વડોદરાના લક્કડપીઠા વિસ્તારમાં વર્ષો પહેલા થયેલી ભીષણ આગ પછી હવે શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશને મોટી વસૂલાત માટે ગતિશીલ અભિગમ અપનાવ્યો છે. લક્કડપીઠાના અસરગ્રસ્તો પાસેથી રૂ.44 કરોડ વસૂલવાના હાઈકોર્ટના 2016ના ચુકાદા બાદ હવે વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે આ રકમ રૂ.100 કરોડ સુધી પહોંચી શકે છે. આ વસૂલાતની પ્રક્રિયા ઝડપથી શરૂ કરાશે અને નિષ્ફળ નિવડે તો મિલકત પર બોજો મૂકવાની કાર્યવાહી પણ હાથ ધરાશે.
વર્ષો પહેલા મદનઝાપા રોડ પર આવેલ લક્કડપીઠા વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેને ઓલવવામાં લાંબો સમય લાગ્યો હતો. દુર્ઘટનાને અનુસરી શહેરના જનહિતમાં લક્કડપીઠાને ડભોઇ રોડ ખાતે ખસેડવાની યોજનાઓ બનાવી હતી. જોકે, ઘણા અસરગ્રસ્તો આ જગ્યા છોડવા તૈયાર ન હતા, જેના કારણે મામલો કોર્ટ સુધી ગયો. વર્ષ 2016માં ગુજરાત હાઈકોર્ટે આ મામલે અસરગ્રસ્તો પાસેથી રૂ.44 કરોડ વસૂલવા કોર્પોરેશનને સુચના આપી હતી. હવે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્પષ્ટ કર્યું છે કે, જે લોકો પાસે બાકી વસૂલાત છે, તેમની મિલકત પર ટેક્સ અથવા અન્ય બોજો મૂકીને રકમ વસૂલવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જો બાકી વસૂલાત સાથે વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેરવામાં આવે તો રકમ રૂ.100 કરોડ સુધી પહોંચી શકે છે. આ નાણાં વડોદરાના શહેર વિકાસ માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે. આ જમીન સંપૂર્ણ ખુલ્લી થઈ જાય તો અત્રે ફાયર બ્રિગેડ, પાણીની ટાંકી અને વોર્ડ કચેરી જેવી સુવિધાઓ વિકસાવી શકાશે.
