સમયસૂચકતા અને હિંમત: ચા બનાવતી વખતે સિલિન્ડરમાંથી ગેસ ગળતર થતા અફરાતફરી મચી, ફાયર બ્રિગેડે સમયસર પહોંચી મોટી હોનારત ટાળી
વડોદરાના પોશ ગણાતા રેસકોર્સ વિસ્તારમાં શનિવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. પરેશ ગોસ્વામી વાણિજ્ય ભવન પાસે આવેલા આકાશ ગંગા એપાર્ટમેન્ટમાં ગેસ લીકેજને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે, આ ફ્લેટમાં રહેતી હોસ્પિટલની 15 યુવતીઓએ અપ્રતિમ હિંમત અને સમયસૂચકતા દાખવતા તમામનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી મુજબ, આકાશ ગંગા એપાર્ટમેન્ટના ત્રીજા માળે ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 15 જેટલી યુવતીઓ ભાડેથી રહે છે. આજે સવારે જ્યારે યુવતીઓ ડ્યુટી પર જવાની તૈયારીમાં હતી અને રસોડામાં ચા બનાવી રહી હતી, ત્યારે અચાનક ગેસ સિલિન્ડરમાંથી લીકેજ શરૂ થયું હતું. જોતજોતામાં આગના ભડકા ઉઠ્યા હતા અને આખા રૂમમાં કાળો ડિબાંગ ધુમાડો છવાઈ ગયો હતો.
અચાનક લાગેલી આગને કારણે એક ક્ષણ માટે યુવતીઓમાં ગભરાટ ફેલાયો હતો અને બૂમરાણ મચી ગઈ હતી. પરંતુ, ગભરાઈને બેસી રહેવાને બદલે તમામ 15 યુવતીઓએ તરત જ સુરક્ષિત રીતે રૂમની બહાર દોડી જવાનું નક્કી કર્યું હતું. બહાર નીકળ્યા બાદ તુરંત જ તેમણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેને કારણે એક મોટી જાનહાનિ ટળી હતી.
ઘટનાની જાણ થતા જ વાડી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો જ્યારે ત્રીજા માળે પહોંચ્યા ત્યારે રૂમ ધુમાડાથી ભરેલો હતો અને સિલિન્ડરમાંથી ગેસ લીકેજ ચાલુ હોવાથી વિસ્ફોટ થવાનો ભય હતો. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને જોખમ ટાળવા માટે ગેસ સિલિન્ડરને સુરક્ષિત રીતે એપાર્ટમેન્ટના ટેરેસ પર ખસેડ્યો હતો.
– ”યુવતીઓની જાગૃતિએ જીવ બચાવ્યા”…
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જો યુવતીઓ સમયસર બહાર ન આવી હોત કે ફાયર બ્રિગેડને જાણ કરવામાં મોડું થયું હોત, તો આ ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરી શકી હોત. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી.