પુરવઠા સચિવ અને વેપારી મંડળના હોદેદારો વચ્ચે તડાફડી બોલી ગઈ, સરકારના દાવાને વેપારીઓએ ગણાવ્યો ખોટો – રાજીનામાની ચિમકી બાદ વિતરણ મુદ્દે સામસામા આક્ષેપો
વડોદરા: વડોદરા સહિત રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારો અને સરકાર વચ્ચેનો વિવાદ હજી યથાવત રહ્યો છે. રેશનિંગ વેપારી મંડળ અને સરકાર વચ્ચે ગાંધીનગર ખાતે યોજાયેલી બીજી બેઠક પણ નિષ્ફળ રહી હતી. આ બેઠક દરમિયાન પુરવઠા સચિવ અને વેપારી મંડળના હોદેદારો વચ્ચે ભારે તડાફડી બોલાઈ ગઈ હતી.
બેઠક બાદ વેપારી મંડળના અગ્રણી જણાવ્યું હતું કે રેશનિંગ વેપારીઓની હડતાલ ત્રીજા દિવસે પણ ચાલુ છે. જો સરકાર બળજબરી કરશે તો રાજ્યભરના વેપારીઓ રાજીનામાનો ઢગલો કરી દેશે તેમ તેમણે ચિમકી ઉચ્ચારી હતી.
આ વચ્ચે વેપારી મંડળ અને સરકાર વચ્ચે સામસામી દાવા શરૂ થઈ ગયા છે. પુરવઠા વિભાગનો દાવો છે કે ઘણા વેપારીઓ ચલણ જનરેટ કરીને અનાજ વિતરણ શરૂ કરી ચૂક્યા છે. વિભાગ અનુસાર જાહેર હિત અને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વડોદરા જિલ્લામાં તેમજ સુરત, આણંદ, અમદાવાદ, રાજકોટ વગેરે જિલ્લામાં ઘણા વાજબી ભાવના દુકાનદારો દ્વારા ચલણ જનરેટ થયું છે અને વિતરણની કામગીરી શરૂ થઈ છે.
રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમ તરફથી પણ જણાવાયું છે કે ઘઉં અને ચોખાનું વિતરણ આવતીકાલથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. વિભાગનું કહેવું છે કે લાભાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી દુકાનદારો હકારાત્મક અભિગમ અપનાવી રહ્યા છે.
બીજી તરફ વેપારી મંડળનું કહેવું છે કે સરકારનો દાવો ખોટો છે. વેપારીઓ હજી પણ તેમની હડતાલ પર અડગ છે અને કોઈ વિતરણ કાર્ય શરૂ કર્યું નથી. તેમનું કહેવું છે કે વર્ષો જૂના પડતર પ્રશ્નોનું ઉકેલ ન આવતા તેમને આંદોલન હાથ ધરવું પડ્યું છે.
રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાન ધરાવતા વેપારીઓએ તેમનાં કમિશન વધારાની સાથે કુલ 20 મુદ્દાની માંગણીઓ રાખી છે. આ માંગણીઓમાં વહીવટી રાહત, ભાડું, કમિશન દર અને ડિજિટલ સિસ્ટમ સંબંધિત ટેક્નિકલ સમસ્યાઓના ઉકેલનો પણ સમાવેશ થાય છે.
વડોદરા સહિત અન્ય જિલ્લાઓ પણ નવેમ્બર 1થી શરૂ થયેલી આ હડતાલ દરમિયાન 546 લાયસન્સધારકોએ અનાજ વિતરણ અને જથ્થો ઉપાડવો બંધ રાખ્યો છે.
– વેપારીઓ વધુ આક્રમક બન્યા
અગાઉ સરકાર સમક્ષ વડોદરા સહિત રાજ્યભરના વેપારીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, છતાં યોગ્ય ઉકેલ ન આવતાં હવે વેપારીઓ વધુ આક્રમક વલણ ધારણ કરી રહ્યા છે. વડોદરા જિલ્લામાં ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના અગ્રણી વેપારીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ સરકારને ચેતવણી આપી છે કે ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાલ પાછી ખેંચાશે નહીં.