હર ઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય તીરંગા અને જાગૃકતા રેલીનું આયોજન
સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો

( પ્રતિનિધી )વડોદરા,તા.14
પશ્ચિમ રેલવેના વિરાસતથી સંમ્પન્ન વડોદરા ડિવિઝન દ્વારા હર ઘર તિરંગા અભિયાન અને સ્વચ્છતા અભિયાન 2025 અંતર્ગત એક અભૂતપૂર્વ અને ભવ્ય તિરંગા જાગૃકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી મંડળ રેલ પ્રબંધક કાર્યાલયથી શરૂ થઈને ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રતાપનગર સ્થિત હેરિટેજ પાર્ક સુધી ઉત્સાહ,ઉર્જા અને દેશભક્તિ સાથે યોજવામાં આવી હતી.

વડોદરા રેલવે મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેના નેતૃત્વમાં રેલવે અધિકારીઓ અને કર્મચારીઓએ હાથમાં તીરંગો લહેરાવીને ભારત માતા કી જય અને વંદે માતરમના જોરદાર નારા લગાવીને રેલીમાં જોડાયા હતા. આ રેલીનો ઉદ્દેશ્ય લોકોમાં દેશભક્તિની શાશ્વત જ્યોત ફેલાવવાનો અને નાગરિકોને તેમના ઘરો અને ઓફિસોમાં તીરંગો લહેરાવવા માટે પ્રેરણા આપવાનો હતો. રેલી દરમિયાન સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સહભાગીઓએ રસ્તા પર ફેલાયેલો કચરો એકઠો કરીને જાહેર સ્થળોની ગરિમા પુનઃસ્થાપિત કરી અને ઉપસ્થિત લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત, બધા સહભાગીઓએ શપથ પર હસ્તાક્ષર કરીને સ્વચ્છતા પ્રત્યેની તેમની આજીવન પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હેરિટેજ પાર્ક પહોંચ્યા પછી, ડીઆરએમ રાજુ ભડકે, વરિષ્ઠ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓની ગરીમામયી ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ સમારોહ યોજાયો હતો. જેણે માત્ર હરિયાળીને પ્રોત્સાહન આપવાનો સંદેશ જ આપ્યો ન હતો. પરંતુ પર્યાવરણીય સંરક્ષણના વારસાને આગળ વધારવાના સંકલ્પનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. પશ્ચિમ રેલવે , વડોદરા ડિવિઝન દ્વારા આયોજિત આ કાર્યક્રમ દેશભક્તિ, સ્વચ્છતા અને પર્યાવરણીય સંરક્ષણના ત્રિવેણી સંગમનું એક અનોખું ઉદાહરણ છે. જેને આવનારી પેઢીઓ માટે પ્રેરણાદાયક વારસા તરીકે યાદ રાખવામાં આવશે.