ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા બાદ ત્રીજા પ્રયત્ને બે ઇજારદારો પાસેથી ભાવપત્ર મળ્યા
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા મહાપાલિકાને 99 વર્ષના લીઝ રાઈટ્સ હેઠળ ટોકન ભાડે ટાંકી, તળાવ અને ગાર્ડન બનાવવા જમીન ફાળવવામાં આવી
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે પશ્ચિમ ઝોનના લક્ષ્મીપુરા વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી પાણીની તકલીફ દૂર કરવા માટે મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ કામમાં ઊંચી ટાંકી/બુસ્ટર, ભૂગર્ભ સંપ, ફીડર લાઇન, પંપિંગ મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટેશન, સિવિલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડીલીવરી નેટવર્ક સાથે 5 વર્ષ સુધીના ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) નો સમાવેશ છે. આ કામગીરી રૂ.28.87/- કરોડના અંદાજ સામે 36 ટકા વધુ, એટલે કે રૂ.39.29/- કરોડ(GST ઉપરાંત) ના ખર્ચે ઇજારદાર મે. આર.સી. પટેલને સોંપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. લક્ષ્મીપુરા વિસ્તાર સુભાનપુરા, ગોરવા અને ગાયત્રીનગર ટાંકીના કમાન્ડ વિસ્તારમાં આવેલો છે જ્યાં અવારનવાર લો પ્રેશર અને પાણી ન મળવાની ફરિયાદો આવતા રહી છે. વિસ્તારના ભવિષ્યના વિકાસ અને વધતી વસ્તીને ધ્યાને રાખી નવી ઊંચી ટાંકી, ભૂગર્ભ સંપ અને ફીડર નેટવર્કની જરૂરિયાત ઉઠાવવામાં આવી હતી.
સ્થાનિક ધારાસભ્ય (સયાજીગંજ) અને સભાસદોએ વારંવાર આ કામ માટે રજૂઆતો કરી હતી. ધારાસભ્ય દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ગોરવા લક્ષ્મીપુરા ખાતે દશામાં મંદિર નજીક સિટી સર્વે નંબર 215ની જમીન પર ટાંકી, તળાવ અને ગાર્ડન બનાવવા નક્કી થયું હતું. આ જમીન હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા મહાનગરપાલિકાને 99 વર્ષના લીઝ રાઈટ્સ હેઠળ ટોકન ભાડે ફાળવવામાં આવી છે, જેમાં જમીનના હક્કો હાઉસિંગ બોર્ડ પાસે જ રહેશે. Ray Infrastructure Pvt. Ltd. નામની કન્સલ્ટન્ટ ફર્મ દ્વારા રૂ.35.81 કરોડ (GST સહીત)નો અંદાજ તૈયાર કરાયો હતો. ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા બાદ ત્રીજા પ્રયત્ને બે ઇજારદારો પાસેથી ભાવપત્ર મળ્યા હતા. તેમાં આર.સી. પટેલનો ભાવ અંદાજ કરતાં 42.30 ટકા વધુ હતો, પરંતુ અનેકવાર ભાવઘટાડા માટેના પત્રવ્યવહાર બાદ તેમણે કુલ 36 ટકા વધુના દરે કામ કરવા સંમતિ આપી હતી. કન્સલ્ટન્ટ ફર્મ દ્વારા પણ હાલની બજાર સ્થિતિ પ્રમાણે આ ભાવ વ્યાજબી હોવાનું અભિપ્રાય આપવામાં આવ્યો છે. ટેન્ડર સ્ક્રુટીની કમિટીએ 17 જુલાઈ 2025ના રોજ આ ભાવને બહાલી આપી હતી. કામની વેલિડિટી 9 સપ્ટેમ્બર 2025 સુધી છે. આ પ્રોજેક્ટનો સમાવેશ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2025-26ની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવ્યો છે.