Vadodara

રી-સર્ફેસિંગ માટે લાખો ખર્ચ્યા બાદ પણ ફતેગંજ બ્રીજના હાલ બે હાલ

નબળી ગુણવત્તાવાળા બ્રિજ પર ખાડા પડી જવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય

વડોદરાનો ફતેગંજ બ્રિજ, જે લાખોના ખર્ચે માર્ચ મહિનામાં રી-સર્ફેસિંગ કરવામાં આવ્યો હતો અને થોડા મહિનામાં તે વાહન ચાલકો માટે અકસ્માતગ્રસ્ત જેવો થય ગયો છે. બ્રિજની સપાટી પર મોટા ખાડા પડી ગયા અને આસપાસનો કાર્પેટ પણ ઉખડી ગયો છે, જેના કારણે લોકોમાં ભય સાથે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. લોકોમાં સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ રહી છે,કોન્ટ્રાક્ટર, બ્રિજના ઇન્સ્પેક્શન તેમજ અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

રસ્તાની સપાટીની નબળી ગુણવત્તાને કારણે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ટ્રાફિક ભીડ ઓછી કરવા અને કનેક્ટિવિટી સુધારવા માટે બનાવવામાં આવેલ પુલ મુસાફરો માટે જોખમનો સ્ત્રોત બની ગયો છે. નાગરિકો પુલ બનાવવામાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા અને કારીગરી પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. પુલ ગેરંટી હેઠળ હોવા છતાં, વડોદરા મ્યુનિસિપલ કમિશનર પર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પાસેથી દંડ વસૂલવા સહિત કડક પગલાં લેવાનું દબાણ કરવાની માંગ ઉઠી છે.

નાગરિકો માંગ કરી રહ્યા છે કે પુલના બાંધકામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને પ્રોજેક્ટની દેખરેખ માટે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. તેઓ પુલના બાંધકામની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે થર્ડ-પાર્ટી નિરીક્ષણ પ્રક્રિયાની અસરકારકતા પર પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.

ફતેગંજ પુલની ઘટનાએ વડોદરામાં માળખાગત પ્રોજેક્ટ્સની ગુણવત્તા અને તેમના બાંધકામ અને જાળવણી માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
પરિસ્થિતિ મુજબ, ફતેગંજ બ્રિજ શહેરની માળખાગત સુવિધાઓની મુશ્કેલીઓનું પ્રતીક બની ગયો છે.
જોકે ત્યાંથી પસાર થતા અને તકલીફ ભોગવતા વાહન ચાલકો નો રોષ જોતા પાલિકાના અધિકારીઓ એ કોન્ટ્રાકટર ને તાત્કાલિક ખાડા પૂરવા જણાવ્યું હતું . ત્યાર બાદ ભીના રોડ પર ખાડા પુરાણ કરવા નું કામ શરૂ કરવામાં આવ્યું હતું. હવે જોવા નું એ રહ્યું કે પાલિકાના કમિશ્નર જેતે અધિકારીઓ, કોન્ટ્રાકટર અને ઈન્સ્પેક્શન કરનારાઓ પર શું કાર્યવાહી કરે છે.

Most Popular

To Top