સયાજીગંજ પોલીસે રૂ. 78,970નો મુદ્દામાલ કબજે કર્યો
પ્રતિનિધિ) વડોદરા | તા. 23
વડોદરા શહેરમાં પેસેન્જરોને ઓટો રિક્ષામાં બેસાડી ડરાવી-ધમકાવી સર સામાન તથા રોકડ રકમની લૂંટ આચરનાર ત્રિપુટીને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી છે. ઝડપાયેલા આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ઓટો રિક્ષા, રોકડ, મોબાઈલ ફોન, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 78,970નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જુના વીટકોસ બસ સ્ટેશન નજીક આવેલા રિક્ષા સ્ટેન્ડ પાસે વડના ઝાડ પાસેથી એક પેસેન્જરને રિક્ષામાં બેસાડવામાં આવ્યો હતો. ત્યારબાદ એક મહિલા અને બે પુરુષોએ પેસેન્જરને ડરાવી તેની પાસેથી રૂ. 250 રોકડા તેમજ બેગમાં રાખેલ રૂ. 15,000ની રોકડ રકમ લૂંટી હતી. ઉપરાંત આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ઓળખપત્ર, એલએન્ડટી કંપનીનો ગેટ પાસ, ત્રણ એસબીઆઇ બેન્ક અને એક એક્સિસ બેન્કનું એટીએમ કાર્ડ, કટ ફિક્સ કંપનીની જોબ કાર્ડ ડાયરી તેમજ એન્કર ફાસ્ટનર નટ-બોલ્ટ સહિતનો સામાન પણ લૂંટવામાં આવ્યો હતો.
આ ઘટનાની તપાસ દરમિયાન સયાજીગંજ પોલીસ મથકની ટીમે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓની ઓળખ કરી અને એમ.એસ. યુનિવર્સિટી એક્સપરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસેથી તેમને ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં દિવાળીપુરા અંબિકાનગર વિભાગ-૨માં રહેતો રાહુલ ઉર્ફે પલ્લો રાઠોડ, ગોત્રી ગિરધરનગરમાં રહેતો ગૌતમ પરમાર અને પરશુરામ ભઠ્ઠાની જામવાડી ખાતે રહેતી કવિતા ઉર્ફે કવુ કાળેનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રાહુલ ઉર્ફે પલ્લો સામે ગોત્રી, સયાજીગંજ અને જરોદ પોલીસ મથકમાં અગાઉથી છ ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે મહિલા આરોપી કવિતા સામે સયાજીગંજ પોલીસ મથકમાં અગાઉ એક ગુનો નોંધાયેલો છે. પોલીસે ત્રિપુટીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.