Charchapatra

રિક્ષાચાલક ચેન્ની હવે પંજાબના ચાલક

ભારતમાં હમણાં હમણાં રાજયોના મુખ્યમંત્રીઓ બદલવાની મોસમ ચાલી રહી લાગે છે. તાજેતરમાં પંજાબમાં નવા મુખ્યમંત્રી તરીકે એક સમયે રિક્ષા ચલાવી નૈતિક હિંમતભેર જીવનારા 58 વર્ષીય ચરણજીતસિંહ ચેન્ની (સદ્ગુરુ રોહિદાસ શિષ્ય)ની વરણી થઇ છે. તેઓ એલએલબી, એમબીએ અને પીએચડીની ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે. યુનિ. ગોલ્ડ મેડલિસ્ટ સ્પોર્ટમેન છે. ત્યાં કોંગ્રેસે હિંમત બતાવી દલિત ગણાતા વ્યકિતને મુખ્ય મંત્રીનું ઉચ્ચ પદ આપ્યું તે બહુ મોટી વાત છે. એક સમયે પીઢ કોંગ્રેસી ગરીબોના હામી ઝીણાભાઇ દરજીએ અમરસિંહ ચૌધરી કે જેઓ શિક્ષિત આદિવાસી યુવાન હતા તેમને મુખ્ય મંત્રીપદે બેસાડી દાખલો બેસાડયો હતો.

બહુધા પક્ષો સવર્ણો નારાજ થઇ જશે એ ડરે ઉચ્ચ શિક્ષિત દલિત ગણાતી વ્યકિતને ઉચ્ચ પદ આપતા નથી. મહાત્મા ગાંધીના ગુજરાતમાં પણ મનીષા વકીલ (વડોદરા)ને કે જેઓ ઉચ્ચ શિક્ષણ પામેલાં સન્નારી છે. એમને યોગ્ય ખાતું આપ્યું તે આવકાર્ય છે. હાઇકમાંડો દલિત ગણાતા મિત્રોને પણ ઉચ્ચ પદ આપે એ જમાનાની માંગ છે. દેશના પ્રથમ કાયદામંત્રી, ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજી, ત્રણ દાયકા સુધી કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન પામી રહેનારા જગ્ગુબાબુ, વિદ્વાન ચાણકય બુધ્ધવાળા ડો. કે.આર. નારાયણન, મીરા કુમાર, રામવિલાસ પાસવાન, માયાવતી જેવા પીઢ અભ્યાસુ સંનિષ્ઠ સેવાભાવી રાજકારણીઓની પંગતમાં ડો. ચેન્નીએ પગ માંડયો છે. એમની ઉચ્ચ ડીગ્રીઓ હોવા છતાં ઉપરથી જ દોરીસંચાર થતો હોય છે. હાલ તો સફળ થાય એવા શુભ સંકેતો છે જ.
સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top