ગોધરા પોલીસ હેડ ક્વાર્ટરથી રામસાગર તળાવ સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં હજારો નગરજનો ઉત્સાહ અને હર્ષભેર જોડાયા
પ્રતિનિધિ ગોધરા તા.14
સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા- હર ઘર સ્વચ્છતા” અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશાળ ભવ્ય તિરંગા યાત્રાનું ગોધરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો, બેન્ડની મધુર સુરાવલીઓ, પોલીસ માર્ચ, બાઈક રેલી, સ્થાનિક નૃત્ય સાથે તિરંગા ઝંડા સાથે પોલીસ બેન્ડ, યુવાઓ, રમતવીરો, એનસીસીના વિદ્યાર્થીઓ, પોલીસના વીર જવાનો, હોમગાર્ડ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ, ટીઆરબી જવાનો, રક્ષક દળના જવાનો, વિવિધ સ્કૂલ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

આ તિરંગા યાત્રા પૂર્વે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારે સમગ્ર કાર્યક્રમ અનુરૂપ સંબોધન કરીને તિરંગાનું માન સન્માન જાળવવા નાગરિકોને અપીલ કરી આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા. તેમણે જિલ્લાના નગરજનોને આ તિરંગા યાત્રામાં સહભાગી બનવા બદલ શુભકામના પાઠવી હતી. વધુમાં સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવીને પોતાના શહેર અને જિલ્લાને સ્વચ્છ રાખવા માટે તેમણે લોકોને અપીલ કરી હતી તથા સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂક્યો હતો.

આ તકે રેન્જ આઈ.જી. આર.વી.અસારીએ રાષ્ટ્રધ્વજ તિરંગાનું મહત્ત્વ સમજાવ્યું અને તેનું સન્માન જાળવી રાખવા માટે નાગરિકોને અપીલ કરી હતી. તેમણે તિરંગો માત્ર એક ધ્વજ નથી, પરંતુ આપણા દેશની શાન, એકતા અને ગૌરવનું પ્રતીક છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, આપણે સૌએ આપણા દેશમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. ભારતમાં બનેલા ઉત્પાદનો ખરીદવાથી આપણા દેશના નાના-મોટા ઉદ્યોગો અને કારીગરોને પ્રોત્સાહન મળે છે. દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપવા માટે આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.

આ ભવ્ય તિરંગા યાત્રા ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરી પાંજરા પોળ-ચિત્રા રોડ-વિશ્વકર્મા ચોક-પટેલવાડા-પોલન બજાર-ચોકી નં.૭-ગીદવાણી રોડ-બી ડીવીઝન પોલીસ સ્ટેશનથી પિચ્યુટર ચોક થઈ રામસાગર તળાવ(હોળી ચકલા) ખાતે પહોંચી હતી જેમાં હજારોની સંખ્યામાં નગરજનો ઉત્સાહ અને હર્ષભેર જોડાયા હતા. જેના લીધે સંપૂર્ણ નગર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો હતો અને આખા નગરનું વાતાવરણ તિરંગામય બન્યું હતું.
આ તિરંગા યાત્રા દરમિયાન પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલ સિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્ય સી.કે.રાઉલજી, નિમિષાબેન સુથાર અને જયદ્રથસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.દેસાઈ, રેન્જ આઇ.જી. આર વી અસારી, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નગરપાલિકા પ્રમુખ જયેશભાઇ, જિલ્લા અગ્રણી મયંકભાઈ દેસાઈ સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસના જવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા.